નિયમ વિરુઘ્ધ ઓવરલોડેડ પેસેન્જરો ભરવા સબબ મેરીટાઈમ બોર્ડને રીપોર્ટ
દિવાળીના વેકેશનમાં દેશભરમાંથી યાત્રાળુઓના અનરાધાર પ્રવાહ વચ્ચે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર બોટોમાં યાત્રાળુઓના જીવના જોખમે ક્ષમતાથી વધારે પેસેન્જરો ભરવા અંગે ઓખા મરીન પોલીસે ૧૭ બોટ ચાલકો વિરુઘ્ધ મેરીટાઈમ બોર્ડને રીપોર્ટ કરાયો હતો.
હાલમાં ચાલી રહેલ દિવાળીના વેકેશનમાં દિપાવલી પર્વ આસપાસ યાત્રાળુઓનો વ્યાપક મારો હોય બેટ દ્વારકા તથા ઓખા વચ્ચે ચાલતી પેસેન્જર ફેરી બોટ સર્વિસમાં નિયમોમાં ઉલાળીયા થયા હોવા અંગે ફરિયાદ કરાઈ છે. આ તહેવારોના સમયમાં જેટી પર ચાલતી ફેરીબોટો દ્વારા ૧૭ જેટલા બોટ ચાલકોએ ક્ષમતાથી વધારે પેસેન્જરોને ભર્યા હોવા અંગે ઓખા મરીન પી.એસ.આઈ એફ.બી.ગગનીયાએ ગુજરાત મેરીટાઈમ બોર્ડને લેખિત ફરિયાદ નોંધાવી છે. જેમાં યા હુશેની, અલ કેલવીન, ટંકસાર, વિજય પ્રસાદ, મહાવીર, રામબાણ, નાગનાથ, ધનપ્રસાદ, દેસદેવી, અંજલી, હુસેની, આબે કવસ્સર, અલ સંજરી, સહાદત વસિલા, પંજતની, ચાંદ અને અલ નાઝ બોટે તેમની ક્ષમતા કરતા દોઢા-બમણા સહિતના પેસેન્જરો ભર્યા હોવા અંગે ફરિયાદ કરાઈ હતી.