રાજધર્મ… વૈશ્ર્વિક રાજકીય ધરોહરના પાયાના સિદ્ધાંતોમાં જે રાજ, દેશ અને સરકાર પોતાના મુળ નાગરિકોની વધુમાં વધુ હિફાજત અને ખેવના કરવામાં કોઈપણ તબક્કે બાંધછોડ કે પાછી પાની ન કરે તેને આદર્શ રાજ વ્યવસ્થા ગણવામાં આવતી હતી. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, જર્મની અને અર્વાચિન યુગમાં ઈઝરાયલને પોતાના નાગરિકોની ખેવના કરવામાં સૌથી ગંભીર અને સક્ષમ ગણવામાં આવે છે.

ઈઝરાયલ એકમાત્ર એવું રાષ્ટ્ર છે કે જે વિશ્ર્વના ગમે તે દેશમાં વસતા નાગરિકો માટે નાગરિકત્વ આપવા માટે પોતાના દેશના દરવાજા હંમેશા ખુલ્લા રાખે છે. યહુદીઓને કોઈપણ સંજોગોમાં ગમે ત્યારે આવકારવા માટે ઈઝરાયલ આતુર રહે છે. તેની આ ભાવનાને સમગ્ર વિશ્ર્વની સરાહના મળે છે. ભારત પણ વસુધેવ કુટુમ્બકમની ભાવના સાથે પોતાના મુળભૂત નાગરિકોના જતન, રક્ષણ અને ખેવનાની આદિકાળની સંસ્કૃતિ ધરાવે છે તે પુન: જીવીત કરવાની દિશામાં સરકારે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના મુળ ભારતીયોને કાયમી નાગરિકત્વ આપવાની દિશામાં જે ઉદાર વલણ અપનાવ્યું છે તે ભારતની ગરીમા અને રાજધર્મને ઉજાગર કરે છે.

ભારતની અખંડીતતા, સર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્રાલેખના પાયાની ધરોહરમાં મુળભૂત નાગરિકોની ખેવનાપૂર્વક સાચવી લેવાની નીતિને વ્યવહારૂ બનાવીને નાગરિકતા માટે શરૂ થયેલી કવાયતમાં વધુને વધુ સરળતા અને સવલત માટે જિલ્લા કલેકટરોને પણ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતિ વર્ગના મુળ ભારતીયોને ભારતની નાગરિકતા આપવાની સ્વાયતતા આપવામાં આવી છે. પોતાના નાગરિકોને ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં માત્ર સરળ નહીં પણ સાચવી લેવાની ઉદાર ભાવનાથી ભારતનું ગૌરવ અને ગરિમા પ્રસ્થાપિત થાય છે.

ભારતના વસુધેવ કુટુમ્બકમના સિદ્ધાંતને હવે વૈશ્ર્વિક રાજકીય મંચ પર પણ વ્યાપક સ્વીકાર મળી રહ્યો છે. પોતાના નાગરિકોની ખેવનાને જ ખરો રાજધર્મ ગણવામાં આવે છે. દુનિયામાં મુળ ભારતીય નાગરિકોને કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં જ્યારે ભારતમાં વસવાટની આવશ્યકતા ઉભી થાય ત્યારે પોતિકા સમજીને નાગરિકોની નાગરિકતા આપવાની ભારતની દરિયાદીલીએ મુળભૂત ભારતીય નાગરિકોના ભારતમાં પુન: વસવાટના દરવાજા ખોલી દીધા છે. અર્વાચીન યુગ નહીં પ્રાચીનકાળથી ભારત વર્ષ હંમેશા આશ્રય ધર્મ અને માનવ સંવેદનાની ખેવના કરતું રાષ્ટ્ર બની રહ્યું છે.

મધ્ય યુગમાં પણ ભારત પોતાના નાગરિકો, ધર્મ, સંસ્કૃતિની રક્ષા કરવા માટે ગમે તેવી પરિસ્થિતિમાં અડગ રહેતું હતું. અત્યારે આધુનિક યુગના વ્યવહારૂ અભિગમના કારણે ઘણા એવા દેશો અને વિચારધારાઓ હોય છે જે પોતાની વસ્તીને સીમીત રાખવાને શાણપણ ગણે છે પરંતુ આજના યુગમાં પણ ઈઝરાયલ જેવા રાષ્ટ્રએ પોતાના મુળભૂત નાગરિકોને ગમે ત્યારે સાચવી લેવાની ખુલ્લી હિમત દાખવી છે. ભારત પણ પોતાના મુળભૂત નાગરિકોને સાચવી લેવા માટે ઉદાર બન્યું છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતિઓ જ નહીં છેલ્લા એક દાયકામાં વિશ્ર્વના અનેક દેશોએ ભારતનું નાગરિકત્વ મેળવ્યું છે. ભારત વસુધેવ કુટુમ્બકમમાં માને છે. રાષ્ટ્રીયતા અને રાજધર્મને ઉપર ગણી મુળ ભારતીયોને નાગરિકત્વની ભારતની આ ઉદારતા આધુનિક વિશ્ર્વ માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.