ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં સોશિયલ ડિસ્ટન્સ નિયમ ભંગ અને માસ્ક ન પહેરવા મુદ્દે ભાઈ-બહેન સહિત ૨૦૦થી વધુ કોંગ્રેસના કાર્યકરો સામે એફઆઈઆર
કેન્દ્ર સરકાર દ્વારા પારિત કરવામાં આવેલા ખેતી બીલને લઈને સમગ્ર દેશમાં કોંગ્રેસ સહિતના વિપક્ષે કૃષિ વિધેયકના વિરોધની જાહેરાતના પગલે આજે ખેતી વિધેયકને લઈને સમગ્ર દેશમાં રાજકીય હોળી જેવો ઉન્માદ ઉભો થયો છે. કેન્દ્ર સરકારના કૃષિ વિધેયકને ખેતી અને ખેડૂત વિરોધ ગણાવી કોંગ્રેસ અને તેના સહયોગીઓને આ વિધેયકને સંપૂર્ણપણે પાછો ખેેંચવાની માંગ અને કોંગ્રેસે તેના શાસન હેઠળ આવેલા તમામ રાજ્ય સરકારોને આ કૃષિ ધારા સામે વિરોધ વિધેયક પ્રસાર કરવાની જાહેરાત કરી છે. આજે સમગ્ર દેશમાં કૃષિ વિરોધી કાયદા સામે કોંગ્રેસે દેખાવો અને ધરણાના કાર્યક્રમોની જાહેરાત કરી છે.
દરમિયાન ઉત્તરપ્રદેશના નોઈડામાં ગુરૂવારે ગૌતમ બુદ્ધ નગર વિસ્તારમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે કોરોના કટોકટી સંબંધી સાવચેતીના પગલા અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ન પહેરવા અંગે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી સામે જાહેરનામાના ભંગ સબબ ૨૦૦ કાર્યકર્તા સાથે વિધિવત એફઆઈઆર નોંધતા કૃષિ વિધેયકના વિરોધના માહોલમાં બળતામાં ઘી હોમાયું હોય તેમ સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યકરોએ નેતાઓ સામેની આ એફઆઈઆરનો મુદ્દો પણ વિરોધનું કારણ બનાવી દીધું છે.
આઈપીસી કલમ ૧૮૮, ૨૬૯,૨૭૦ અને એપેડેમીક ડીસીસ એક્ટ અન્વયે ગુનો નોંધવામાં આવ્યો છે. ગૌતમ બુદ્ધનગરમાં વધુ કેટલાક કાર્યકરો સામે મહિલા કોન્સ્ટેબલ સાથે ધક્કામુકી અને મહિલા પીએસઆઈના કપડા ફાડી નાખવા અંગે ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસના ૨૦૦ કાર્યકરોએ ગ્રેટર નોઈડામાં મોરચો કાઢતા તેમની અટકાયત કરવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં કોંગ્રેસે કૃષિ વિધેયક ખરડાના વિરોધમાં આપેલા વિરોધ કાર્યક્રમને પગલે ઠેર-ઠેર કોંગ્રેસના કાર્યકરોના ધરણા અને પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાઈ રહ્યાં છે.
કૃષિ વિધેયકના રાષ્ટ્ર વ્યાપી વિરોધના એલાનના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યકરોએ સવારથી જ ધરણા અને વિરોધ કાર્યક્રમો શરૂ કરતા ઠેર-ઠેર કડક સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં સોશિયલ ડિસ્ટન્સ ભંગને લઈ પ્રિયકા અને રાહુલ ગાંધી સામે નોંધાયેલી એફઆઈઆરએ કોંગ્રેસના આ વિરોધમાં બળતામાં ઘી હોમ્યુ હોય તેવી સ્થિતિ ઉભી કરી છે. કોંગ્રેસના કૃષિ વિધેયકના વિરોધને લઈ તંત્ર એલર્ટ મોડ ઉપર રહેવા પામ્યું છે.
કૃષિ વિધેયક સામે કોંગ્રેસ દ્વારા મોડેલ એકટનો મુસદો તૈયાર
કૃષિ વિધેયક મુદ્દે ભાજપ પર રાજકીય દબાણ ઉભુ કરવા માટે કોંગ્રેસે મોડેલ એકટનો મુસદો તૈયાર કરીને કોંગ્રેસ શાસીત રાજ્યોને તેના અમલની હિમાયત કરી છે. કેન્દ્રીય કાયદા સામે કોંગ્રેસનો આ મોડેલ બીલ કોંગ્રેસ શાસીત રાજ્યોમાં અમલમાં આવશે. સાથે સાથે કોંગ્રેસે આ મોડેલ એકટને બિન ભાજપના રાજ્યોને પણ અપનાવવા અપીલ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસીત રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કરેલી મસલત બાદ કૃષિ અને ખેડૂતોના વિકાસ માટે મોડેલ ખરડાની હિમાયત કરવામાં આવી છે. ખેડૂતોના હક્ક, અધિકારોનું રક્ષણ આવશ્યક ધારામાંથી કેટલીક ચીજોની બાદબાકી અને ખેત જણસ મોટી પેઢીઓને ખરીદવાની છુટ જેવી જોગવાઈ ધરાવતા કેન્દ્રના કૃષિ વિધેયકને ખેડૂત વિરોધ ગણવામાં આવી છે. ભાજપના સહયોગી અકાલી દળે કેન્દ્રીય કેબીનેટમાંથી રાજીનામુ આપી દીધુ છે. કોંગ્રેસ આ મુદ્દે તમામ વિપક્ષ અને સમાન વિચારસરણી વાળા રાજ્યોને એકરૂપ કરી કેન્દ્રના કૃષિ વિધેયક સામે મોડેલ એકટ લાવવા કવાયત હાથ ધરી રહી છે.