સરકારની મંજુરી મળે તો સફળ આયોજનની પૂર્વે તૈયારીઓ કરતા આયોજકો
નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ખેલૈયાઓનો પહેલો પ્રશ્ર્ન છે કે નવરાત્રી થશે કે નહિ અને અર્વાચીન રાસોત્સવના આયોજકોમાં મુંઝવણ છે કે સરકારની મંજુરી મળશે કે નહિ આ અંગે ‘અબતક’ સાથેની વાતચીતમા સુરભી ગ્રુપના આયોજકો પંકજ સઢીયા, ગૌરાંગ બુચ અને સીંગર આશિફ જેરીયાએ જણાવ્યું હતું કે નવરાત્રીને હજુ બે થી અઢી મહિનાની વાર છે ત્યારે અમોએ પૂર્વ આયોજન શરૂ કર્યુ છે. ખેલૈયાઓમાં એટલો ઉત્સાહ છે કે છેલ્લા ઘણા દિવસોથી અમોને નવરાત્રીના આયોજન અંગે ફોન આવી રહ્યા છે. આયોજકોનો ઉત્સાહ જળવાય રહે તે હેતુથી અમે નવરાત્રીની તૈયારી શરુ કરી દીધી છે જે અંતર્ગત રૂ. ૧૧ ના ટોકન દરે પાસનું પ્રિ બુકીંગ શરૂ કર્યુ છે.
ખેલૈયાઓને નવરાત્રી થશે કે નહિ તે પ્રશ્ર્ન મુંજવી રહ્યો છે ત્યારે જો સરકારની મંજુરી મળશે તો અમે આયોજન કરીશું કદાચ કોરોનાની પરિસ્થિતિ વધુ વકરશે તો ઓનલાઇન ગરબા રમાડવાની પણ અમારી તૈયારી છે અર્વાચીન રાસોત્સવ માટે બે અઢી મહિનાનો સમય લાગતો હોય છે અને ગરબા રાજકોટવાસીઓના લોહીમાં છે.
ત્યારે શહેરીજનોની લાગણીને માન આપી સરકારની મંજુરી મળી તો અમો નવરાત્રીનું સફળ આયોજન કરી શકીએ તે માટે રૂ. ૧૧ ના ટોકન દરે પાસનું પ્રિ.બુકીંગ શરુ કર્યુ છે. ‘અબતક’ સુરભી આયોજીત રાસોત્સવની ખાસિયત એ છે કે અહીં અમે કેટેગરીવાઇઝ ગ્રુપ રાખીએ છીએ જેમાં બેસ્ટ ગ્રુપ, બેસ્ટ ડ્રેસીંગ ખેલૈયાઓને લાખેણા ઇનામોથી સન્માનીત કરીએ છીએ.
વધુમાં આયોજકોના જણાવ્યા મુજબ સરકારે કોવિડ-૧૯ ને અનુલક્ષીને ધીમે ધીમે તમામ છુટછાટો આપવા માંડી છે. ત્યારે નવરાત્રીને પણ અવશ્ય મંજુરી મળશે જ તેવો આશાવાદ વ્યકત કર્યો છે.
આયોજકોને બે થી અઢી માસનો નવરાત્રી આયોજન માટે સમય લાગતો હોય છે ત્યારે જ તેઓ મંડપ, ડેકોરેશન, પાસ બુકીંગ વિતરણ સુપેરે કરી શકે છે. ખાસ કરીને રાજકોટના ગરબાં વિશે જણાવ્યું હતું કે વર્લ્ડમાં રાજકોટના ગરબા ફર્સ્ટ આવે છે. રાજકોટીયન્સો ચોકડી, ટીટોળો, દોઢીયો, સિકસ સ્ટેપ વગેરે રમવામાં માહિર છે.
રાજકોટમાં આમ કહીએ તો વેલકમ નવરાત્રી, બાય બાય નવરાત્રી સહિત એક મહિનો સુધી રાસોત્સવ ચાલે છે. કદાચ ૩૬૫ દિવસ સુધી રમવાનો મોકો મળે તો રંગીલા રાજકોટીયન્સો આખુ વર્ષ ગરબા રમી શકે તેમ છે. અંતમાં સરકાર નવરાત્રીને મંજુરી આપશે તેવો આશાવાદ ‘અબતક સુરભી ગ્રુપ’ના આયોજકો વ્યકત કર્યો છે.