- રમશે ગુજરાત, જીતશે ગુજરાત, કાલથી ખેલ મહાકુંભ 3.0
- રાજકોટના કુલ 2.83 લાખ ખેલાડીઓ વોલીબોલ, યોગાસન, રસ્સાખેંચ, ખો-ખો, કબડ્ડી, ચેસ, ટેબલ ટેનિસ સહિતની રમતોમાં કૌશલ્ય બતાવશે
- હજારો રમતવીરના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી કાલે રાજકોટથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે: મુખ્ય અતિથિ તરીકે જળસંપતિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ રમતગમત વિભાગના મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેશે
- વિજેતા ખેલાડીઓ, શાળાઓ અને કોચને રોકડ પુરસ્કાર અપાશે
ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે. તેના મૂળમાં છે ખેલ મહાકુંભ. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ આવે, શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે અને ગુજરાતમાં રમતગમતની સંસ્કૃતિનો વિકાસ થાય, તેવા આશયથી વર્ષ 2010માં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો. જેના ભાગરૂપે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખેલમહાકુંભ – 3.0 નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેકટર જનરલ આર. એસ. નીનામાના માર્ગદર્શન મુજબ ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ ના ધ્યેય સાથે આયોજિત ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોન, જિલ્લા/મહાનગરપાલિકા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજવામાં આવી છે. શાળાકક્ષાએ અંડર-9, અંડર-11, અંડર-14 અને અંડર-17ના વયજુથમાં ખેલ મહાકુંભની એથ્લેટીક્સની રમતમાં તમામ શાળાઓએ ભાગ લીધો છે.
ખેલ મહાકુંભ 3.0નું ઓનલાઈન રજિસ્ટ્રેશન તા.5 ડિસેમ્બર, 2024થી તા.25 ડિસેમ્બર, 2024 સુધી કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજકોટ જિલ્લામાં કુલ 2,83,805 ખેલાડીઓએ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 94,533 ખેલાડીઓ તથા રાજકોટ ગ્રામ્યમાં કુલ 1,89,272 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.
શાળાકક્ષાથી શરૂ થતી સ્પર્ધાઓમાં તા.01 જાન્યુઆરી 2025થી કબડ્ડી અને ખો-ખોની રમતો શરૂ થશે. તા.02 જાન્યુઆરી 2025થી રસ્સાખેંચની રમત, તા.03 જાન્યુઆરી 2025ના રોજ વોલીબોલની સ્પર્ધા યોજાશે. તા.02 અને 03 જાન્યુઆરી 2025ના રોજ એથ્લેટીક્સની સ્પર્ધા યોજાશે. તેમ રાજકોટ જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાની યાદીમાં જણાવાયું છે.
રાઈફલ શુટીંગ, જિમ્નાસ્ટીકસ, વુડબોલ, સાઈકલિંગ, વેઈટલીફ્ટીંગ, બોર્સિંગ, ફેન્સિંગ, સેપક ટકરાવ, મલખમ્બ, સોફ્ટ ટેનિસ, ઘોડેસવારી, સ્પોર્ટ ક્લાઈમ્બમિંગ, રોલબોલ, બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ, જેવી રમતોનું આયોજન રાજ્ય કક્ષાએ કરવામાં આવનાર છે.
કોઈપણ ખેલાડી એક જ જીલ્લામાંથી કોઈપણ બે રમત ભાગ લઈ શકશે, ખેલ મહાકુંભ અંતર્ગત યોજાતી તમામ સ્પર્ધામાં માત્ર જન્મતારીખના આધારે કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે, ખેલ મહાકુંભ અંતર્ગત યોજાતી તમામ સ્પર્ધાઓ જે તે રમતના ભારતના માન્ય ફેડરેશન/એસોસીએશનના નીતિ નિયમો તેમજ ખેલ મહાકુંભના વખતો વખતના થયેલ સુધારા સાથેના સામાન્ય નિયમો મુજબ યોજવાની રહેશે, અંડર-9,11,14,17 માં વયજુથમાં આવતા ખેલાડીઓએ પોતાની જ શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સ્પર્ધાની તારીખે સ્પર્ધા સ્થળે ખેલાડી /સંસ્થાએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ સ્લીપ તથા ફોટો આઈ.ડી.પ્રુફ તરીકે આધાર કાર્ડ ફરજિયાત અને શાળા કોલેજોમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ બોનાફાઈડ સર્ટીફિકેટર સાથે લાવવાનું રહેશે, જિલ્લાકક્ષાએથી રાજ્યકક્ષાની સ્પર્ધામાં તમામ વયજુથની ટીમ રમતમાં ફક્ત પસંદગી ટીમ (ઝોનકક્ષા)રાજ્યકક્ષાએ ભાગ લેવા જવાનું રહેશે. એક જ ટ્રસ્ટ સંસ્થામાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમની શાળાઓમાં રજીસ્ટ્રેશન પણ અલગથી કરવાનું રહેશે. જો એક જ સ્કુલમાંથી રજીસ્ટ્રેશન થયેલ માલૂમ પડશે તો તેવી શાળાઓને બેસ્ટ સ્કુલની ગણતરીમાંથી બાકાત કરવામાં આવશે, જિલ્લાકક્ષાએ પસંદગી થયેલ ટીમ/ખેલાડીને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જવાનું રહેશે અને તે તમામ ટીમમાં એક મેનેજર અને એક કોચની નિમણૂંક જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી દ્વારા કરવામાં આવશે અને તેઓએ ખેલ મહાકુંભમાં જવાબદારીપૂર્વક ફરજ બજાવવાની રહેશે, જે શાળા/સભ્યના વધુમાં વધુ બે ખેલાડીઓનું રાજ્યકક્ષાની સ્પર્ધા માટે સિલેકશન થયેલ હોય તે જ સંસ્થાના વ્યાયામ શિક્ષકને રાજ્યકક્ષા બે ટીમ લઈને ફરજીયાત જવાનું રહેશે. જો તે શાળાના શિક્ષક ટીમ લઈને નહી જાય તો તે શાળાના ખેલાડીઓને ભાગ લેવા માટે મોકલવામાં નહી આવે જેની સપૂર્ણ જવાબદારી શાળા/સંસ્થાની રહેશે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં ફરજીયાત એક કોચ અને મેનેજરે ટીમ સાથે જવાનું રહેશે.
દરેક સ્પર્ધક પોતાની જવાબદારીથી રમવાનું રહેશે. ખેલ મહાકુંભની સ્પર્ધા સિવાયના કોઈપણ અકસ્માત કે અન્ય બાબતોથી ખેલાડીને ઇજા કે અન્ય પ્રકારનું શારીરિક કે માનસિક નુકસાન થાય તે માટે સરકારની કોઈપણ જવાબદારી રહેશે નહીં. તેમજ રમતમાં કોઈપણ પ્રકારનું શારીરિક નુકશાન થાય તો તેની જવાબદારી આયોજકની રહેશે નહીં તે પ્રકારનું બાહેંધરી પત્ર વાલી પાસેથી લેવાની જવાબદારી મેનેજરની રહેશે અને મેનેજરે તે પ્રમાણપત્ર આપવાનું રહેશે. જન્મના આધાર માટે શાળાનું સ્કૂલ લિવિંગ/બોનોફાઇડ પ્રમાણપત્ર/આધાર કાર્ડ/જન્મનોંધણીના દાખલાના આધારીને જ માન્ય ગણવામાં આવશે. પંચ/રેફરીઓનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે તેને પડકારી શકશે નહીં. ખેલાડી ગુજરાત રાજ્યનો જન્મથી વતની હોવો જોઈએ અથવા ગુજરાત રાજ્યમાં છેલ્લા (બે) વર્ષથી અભ્યાસ/ નોકરી/ વ્યવસાય/ નિવાસ કરતા હોવા જોઈએ. જેના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. કર્મચારીના કિસ્સામાં અન્ય રાજ્યમાથી બદલી / ડેપ્યુટેશનથી આવેલ કર્મચારીએ રજીસ્ટ્રેશનની તારીખે ઓછામાં ઓછા છ માસ પહેલા બદલી થઈને જિલ્લામાં આવેલ હોય તો તે જ ભાગ લઇ શકશે. સ્પર્ધા દરમ્યાન કોઈપણ પ્રકારનો વિવાદ કે વાંધો હોય તો ખેલાડીએ રૂ.500/- (અંકે રૂપિયા પાંચસો)ની પ્રોટેસ્ટ ફી સાથે વધુમા વધુ 30 (ત્રીસ) મીનીટમાં જીલ્લા આયોજન કમિટી સમક્ષ રજૂ કરવાનો રહેશે. જીલ્ય આયોજન કમિટીનો નિર્ણય આખરી અને સર્વને માન્ય અને બંધનકર્તા રહેશે. રમત દરમ્યાન આકસ્મિક સંજોગો અનુસાર રમતના શિડ્યુલ નિયત થયેલ સમય/તારીખ/સ્થળમાં ફેરફાર કરવાની સત્તા ચીફ રેફરી/રમતની કમિટીની રહેશે તેમજ તે બાબતની જાણ જાહેરાત ચીફ રેફરી એ ખેલાડી/ટીમને કરવાની રહેશે. અથવા વોટ્સએપ્પના માધ્યમથી કરવાની રહેશે. અથવા શાળાના ઇમેલ આઈ.ડી. પર જાણ કરવામાં આવશે. વજન ગ્રુપ વાળી રમતોમાં ફક્ત તેના વજન ગ્રુપમાં જ રમી શકશે બીજા ગ્રુપમાં રમી શકશે નહીં. સ્પર્ધામાં ભાગ લેવા માટેની વયજૂથ પ્રમાણેની રમતો. વજનગ્રુપ, તેમજ ઇવેન્ટની માહીતી ઓનલાઇન રજીસ્ટ્રેશન કોર્મમાં દર્શાવેલ હોય તે મુજબ ખેલાડીએ ભાગ લેવાનો રહેશે. શક્તિદૂત યોજના વર્ષ 2024-25ના લાભાર્થી ખેલાડીઓએ પોતાની વ્યક્તિગત રમતમાં મેળવેલ સિદ્ધિ ધ્યાનમાં લઈ રજીસ્ટેશન કરાવેલ હોય અને તે જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ ન લીધો હોય તો પણ સીધા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ યોજના વર્ષ 2024-25ના ખેલાડીઓને જ લાગુ પાડી શકશે. એસ.એ જીની એકેડમીના તમામ ખેલાડીઓ ખેલમહાકુંભ અંતર્ગત યોજાતી સ્પર્ધાઓ પૈકી સીધે સીધી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે.
- રાજ્યકક્ષાના દ્વિતીય રમતોત્સવ માટે 71.30 લાખ રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન
- દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભનું આયોજન
હજારો રમતવીરોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલથી રાજકોટથી ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરાવશે. રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે 71,30,834 રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ ટ્રેક ખાતે શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યાથી શરૂ થશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબહેન બાબરીયા તેમજ રમતગમત અને યુવક સેવા વિભાગના મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.જ્યારે અતિથિ વિશેષ તરીકે રાજકોટનાં મેયર નયનાબહેન પેઢડીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબહેન રંગાણી, સાંસદો પરશોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા તેમજ ધારાસભ્યો જયેશભાઈ રાદડિયા, ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગીતાબા જાડેજા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતેન્દ્રભાઈ સોમાણી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો.કમલસિંહ ડોડીયા ઉપસ્થિત રહેશે.આ સમારોહ પૂર્વે પ્રિ-ઇવેન્ટ કાર્યક્રમમાં આર.જે. આભા તથા જાણીતી બોલીવુડ સિંગર ઐશ્વર્યા મજમુદાર વિવિધ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરશે.આ શુભારંભ સમારોહમાં ખેલ મહાકુંભ 2.0માં વિજેતા બનેલી રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ ત્રણ શાળાઓને રોકડ પુરસ્કાર તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલી શ્રેષ્ઠ ત્રણ મહાનગરપાલિકાઓનું સન્માન ઉપરાંત પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે રહેલા શ્રેષ્ઠ ત્રણ જિલ્લાઓનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે.આ ખેલ મહાકુંભના શુભારંભ સમારોહમાં જોડાવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના અગ્ર સચિવ અશ્ર્વિનીકુમાર તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર. એસ. નીનામાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
- રાજકોટમાં ખેલ મહાકુંભ 3.0ની પ્રિ-ઓપનિંગ ઈવેન્ટએ નાગરિકોમાં ભરી દીધું જોમ
- બહુમાળી ભવનથી નીકળેલી રેલી રેસકોર્સ પરથી પસાર થઈ ત્યારે જોવા માટે વાહનો થંભી ગયા
રાજકોટના આંગણેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખેલ મહાકુંભ 3.0ના શુભારંભની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે આજે શહેરીજનોમાં રમતગમત માટે જોશ અને ઉત્સાહ ભરતી ખેલ મહાકુંભ પ્રિ-ઓપનિંગ ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ જોડાયા અને માહોલમાં જોમ ભરી દીધું હતું.રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે તથા નિવાસી અધિક કલેક્ટર એ. કે. ગૌતમે બહુમાળી ભવન ખાતેથી આજે સાંજે પ્રિ-ઓપનિંગ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા રમત-ગમત અધિકારી વી. પી. જાડેજા તથા જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રાની કચેરી દ્વારા આયોજિત આ ઈવેન્ટમાં સ્કેટિંગ, બાસ્કેટ બોલ, જુડો, બેડમિન્ટન, સાયકલિંગ, આર્ચરી સહિતની રમતોના ખેલાડી જોડાયા હતા. આ દરમિયાન “શેરો” રેલી સાથે રહ્યો હતો અને લોકોનું મનોરંજન કર્યું હતું. આ રેલીમાં ખેલ મહાકુંભના દિવ્યાંગ આઇકોન શૈલેષ પંડ્યા પણ જોડાયા હતા.બહુમાળી ખાતેથી શરૂ થયેલી આ રેલી જ્યારે રેસકોર્સ રોડ પરથી પસાર થતી હતી ત્યારે નાગરિકોએ વાહન થંભાવી દીધા હતા અને ફોટો-વિડિયો ઉતારીને આ રેલીની ઈવેન્ટને પોતાના ગ્રુપમાં શેર કરી હતી. પ્રિ-ઓપનિંગ ઈવેન્ટ અંતર્ગત યોજાયેલી રેલીએ રમત-ગમત માટે ઉત્સાહનો માહોલ સર્જી દીધો હતો.