-
જામનગરથી માત્ર 8થી 10 કિમીના અંતરે ખીજડીયા પક્ષી અભ્યારણ આવેલું છે.
-
શિયાળાની સીઝન દરમિયાન પક્ષી અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવ્યું છે .
જામનગર સમાચાર
જામનગર જિલ્લાની ભૌગોલિક રચના એવી સુંદર છે કે, તેની આસપાસ અનેક કુદરતી સ્થળો આવેલા છે જેને જોવા લોકો દૂર દૂર થી આવે છે. તો કેટલાક એવા પણ સ્થળો છે જ્યાં મનુષ્ય સિવાય પશુપંખીઓને પણ વાસવાટ કરવાનું પસંદ કરે છે. આવું જ એક રમણીય સ્થળ એટલે ખીજડીયા પક્ષી અભ્યારણ, કે જ્યાં હાલ શિયાળાની સીઝન દરમિયાન પક્ષી અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવે છે. શિયાળા દરમિયાન હજારો લોકો પક્ષી અભયારણની મુલાકાત લે છે.
જામનગરથી માત્ર 8થી 10 કિમીના અંતરે ખીજડીયા પક્ષી અભ્યારણ આવેલું છે. આ એ જ સ્થળ છે જ્યાં વિદેશી પક્ષીઓ શિયાળા દરમિયાન મોંઘેરા મહેમાન બને છે. દરિયા જેવા દેખાતા મીઠા અને ખારા પાણીના તળાવ છે, ચારે બાજુ લીલીછમ વનરાઈઓ ખીલેલી નજરે પડે છે.
ખીજડીયા પક્ષી અભ્યારણના RFO દક્ષાબેન વઘાસિયાએ જણાવ્યું કે, આ વર્ષે સારો વરસાદ પડતા ખીજડીયા પક્ષી અભ્યારણનો નજારો ચારે બાજુ ખીલી ઉઠ્યો છે. અહીં પક્ષીઓ માટેના વનસ્પતિ-વેજિટેબલ ઉગી નીકળ્યા છે. જેથી લોકલ માઇગ્રેટેડ પક્ષીઓનું પ્રમાણ વધી ગયું છે. શિયાળાના ત્રણ મહિના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન ખીજડીયા બની રહે છે. અહી ખારા અને મીઠા પાણીના તળાવો હોવાથી બંને પ્રકારના પક્ષીઓ જોવા મળે છે.
ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) છે. અહીં મીઠા પાણીના તેમજ ખારા પાણીના એમ બે પ્રકારના જળપ્લાવિત વિસ્તારો એકબીજાની અરસપરસ આવેલા છે. આ સંકુલ વ્યુહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઇન્ડો-એશિયાન ઉડ્ડયન માર્ગમાં આવતું હોવાથી અહીં ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં મહેમાન બને છે.
અહીં પક્ષીઓની 314 જેટલી પ્રજાતિઓ નોંધાઈ છે જેમાંના 170 જાતિના પક્ષીઓ યાયાવર છે જ્યારે 29 જાતિના પક્ષીઓ વૈશ્વિક સ્તરે દુર્લભ ગણાય છે જેમાં કાળી ડોક ઢોંક(બ્લેક નેકડ સ્ટોર્ક), રાખોડી કારચીયા(કોમન પોચાર્ડ), નાની કાંકણસાર(ગ્લોસી આઈબીસ), મોટી ચોટલી ડૂબકી(ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીબ) વગેરેનો સમાવેશ થાય છે.
લોકોમાં પક્ષીઓને લઈને જાગૃતિ આવે તે માટે જલ પ્લાવિત દિવસની ઉજવણી સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે. તેમજ શાળામાંથી પ્રવશે આવતા વિદ્યાર્થીઓને પક્ષી અંગે માહિતગાર કરવામાં આવે છે. અને પક્ષીઓ પ્રકૃતિનો ભાગ હોવાથી તેને કેમ બચાવી શકાય તે માટે કેમ્પ પણ કરવામાં આવે છે.
કઈ રીતે નિર્માણ પામ્યું ખીજડીયા પક્ષી અભયારણ્ય?
દરિયાઈ પાણીની ખારાશને રોકવા તેમજ મીઠા પાણીને દરિયામાં ભળી જતું અટકાવવા સને 1920માં જામનગરના રાજવી જામ રણજીતસિંહજીએ ઓખા થી નવલખી સુધીનો બંધ બનાવ્યો હતો. જે બંધમાં કાલિંદી તથા રૂપારેલ નદીના પાણીનો સંગ્રહ થતા ધીરે ધીરે આ સ્થળે દેશ-વિદેશના પક્ષીઓ આવવા લાગ્યા હતા અને સમય જતાં યાયાવર પક્ષીઓ માટે આ સ્થળ પસંદગીનું સ્થળ બન્યું હતું અને વર્ષ 1982માં આ સ્થળને રાજ્ય સરકાર દ્વારા અભ્યારણ તરીકે જાહેર કરાયું હતું.