- પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાના ૩ લાખથી વધુ ખેડૂતોને લાભ
- ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત રૂપિયા ૯૬.૦૦ લાખનું ચુકવણું
આપ જાણો જ છો કે, ખેડા જિલ્લો દસ (૧૦) તાલુકાઓમાં વહેંચાયેલો છે અને કૃષિ અને પશુપાલન ઉપર નિર્ભર છે. જિલ્લાનો કુલ વાવેતર વિસ્તાર ૨,૪૩,૯૭૧ હેક્ટર છે. ખેડા જિલ્લામાં એગ્રી સેન્સસ ૨૦૧૫ મુજબ કુલ ૨,૪૯,૪૩૩ ખેડુત ખાતેદારો છે. જે કુલ ૨,૭૦,૨૩૩ હેકટર જમીન ધરાવે છે. જિલ્લાના મુખ્ય પાકો ડાંગર, ઘઉં, તમાકુ દીવેલા, બાજરીનું વાવેતર થાય છે.
હવે વાત કરીએ…
વર્ષ ૨૦૨૪-૨૫ માં કૃષિ ક્ષેત્રની યોજનાઓ થકી જિલ્લાના ખેડૂતોને પહોંચાડેલ મુખ્ય લાભો વિશે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિ યાંત્રીકરણના ભાગરૂપે રાજય સરકારશ્રીની યોજના હેઠળ ટ્રેક્ટર ખરીદ સહાય પેટે કુલ ૧૭૫૪ લાભાર્થી ખેડૂતોને કુલ રૂ.૮૧૬.૩૦ લાખની સહાય ચુકવવામાં આવી છે. સિંચાઇ ક્ષેત્રે ખેડૂતોને જરૂરી સવલતો જેવી કે, મોટર પંપ, પાઇપલાઇન વગેરેની ખરીદી માટે કુલ ૬૪૨ લાભાર્થી ખેડૂતોને રૂ. ૧૨૧.૪૧ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
આ ઉપરાંત ૭૮૯ રોટાવેટર માટે રૂ.૩૦૦.૫૭ લાખની સહાય, ૮૭૮ પાક સંરક્ષણ સાધન (દવા છાંટવાના પમ્પ) માટે રૂ.૧૯.૨૪ તાડપત્રી માટે કુલ ૧૯૦૬ ખેડૂતોને રૂ.૫૦.૪૨ લાખ તથા ૯૪૩ સ્માર્ટફોન ખરીદીમાં કુલ રૂ. ૫૫.૧૧ ની સહાય ચુકવવામાં આવી છે.
પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી જિલ્લાના કુલ ૩,૦૩,૩૪૯ ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે. અને અત્યાર સુધી કુલ રૂ.૯૭૧૩૮.૪૪ લાખની સહાય ખેડૂતના ખાતામાં ચુકવવામાં આવેલ છે.
નોંધનીય છે કે, ખેડૂતોને ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના અંતર્ગત ખેડૂતના પરિવારમાંથી કોઈનું મૃત્યુ થાય તો ૨ લાખ રૂપિયા સહાય મળવા પાત્ર છે તેમજ અરજી કરવાની સમય મર્યાદા ૯૦ દિવસ કરવામાં આવી છે. સહાયની રકમ રૂપિયા ૧ લાખ થી વધારીને ૨ લાખ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં અત્યાર સુધીમાં ૪૮ લાભાર્થીને રૂપિયા ૯૬.૦૦ લાખનું ચુકવણું કરવામાં આવ્યું છે. અને ફાર્મર રજિસ્ટ્રેશનમા ખેડા જિલ્લામાં કુલ ૨,૦૭,૮૮૭ ખેડૂતો દ્વારા એગ્રી સ્ટેક પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયેલ છે.