રિલાયન્સ જીઓએ ટુંક સમય પહેલા ઓનલાઈન કરિયાણાના શોપીંગ પોર્ટલ જીઓ માર્ટ લોન્ચ કર્યું હતું જેના માધ્યમથી લોકોને ઘર બેઠા કરિયાણાની તમામ ચીજવસ્તુઓ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રિલાયન્સની ઓનલાઈન શોપીંગ પોર્ટલ જીઓ માર્ટ હજુ શરૂ થયું છે ત્યારે અનૈતિક વ્યકિતઓ જીઓ માર્ટની ફ્રેન્ચાઈઝી સ્વરૂપે છેતરપીંડી કરવા બહાર આવ્યા છે તેવા સંજોગમાં રિલાયન્સ જીઓએ મામલામાં સ્પષ્ટતા કરતા કહ્યું છેકે, હાલમાં કોઈપણ ડિલરશીપ અથવા ફ્રેન્ચાઈઝી શરૂ કરાયું નથી જેથી લોકોએ સાવધાન થવાની જરૂરીયાત છે.
ગત મે મહિનામાં રિલાયન્સે ઓનલાઈન શોપીંગ માટે જીઓ માર્ટ ઓનલાઈન શોપીંગ એપ્લીકેશન લોન્ચ કરી હતી જેના માધ્યમથી લોકો ઘરે બેઠા કરિયાણાની તમામ ચીજવસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરી ઘર સુધી ડિલીવરી મેળવી શકે છે. રિલાયન્સ જીઓ માર્ટે આ એપ્લીકેશનમાં સ્થાનિક કરિયાણાનીદુકાનોને વોટસએપના માધ્યમથી જોડી છે જેથી કોઈપણ વ્યકિત ઓનલાઈન ઓર્ડર કરે એટલે ટુંકા સમયગાળા દરમિયાન તેમની આસપાસની દુકાનોમાંથી તેઓ ચીજવસ્તુઓ મેળવી શકે છે. જીઓ માર્ટને લોન્ચ કર્યાના ફકત ત્રણ માસમાં જ ડિજિટલ ક્ષેત્રમાં થતી છેતરપીંડીઓ શરૂ થવાના કિસ્સા સામે આવ્યા છે. રિલાયન્સ જીઓ માર્ટના નામે ફ્રેન્ચાઈઝી આપવી તેમજ ફ્રેન્ચાઈઝી માટે વેપારીઓની નિમણુક કરવા સહિતની બાબતો માટે અમુક તત્વો બોગસ વેબસાઈટ બનાવી ફ્રેન્ચાઈઝી માટે પૈસાની માંગણી કરી વેપારીઓને છેતરતા હોય તેવા કિસ્સા સામે આવ્યા છે જેને ધ્યાને રાખી રિલાયન્સ જીઓ માર્ટે ગંભીરતાપૂર્વક જાહેર જનતાજોગ અપીલ કરી છે તેમજ મામલામાં ટુંક સમયમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેવું પણ રિલાયન્સ જીઓ માર્ટએ ઉમેર્યું છે.
રિલાયન્સ રીટેલએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જીઓ માર્ટ બ્રાન્ડ હેઠળ ઓનલાઈન કરિયાણા સેવા શરૂ કરાઈ છે. અમે લોકોને જણાવવા માંગીએ છીએ કે હાલમાં કોઈપણ પ્રકારની ડિલરશીપ અથવા ફ્રેન્ચાઈઝી મોડેલ રિલાયન્સ રીટેલએ શરૂ કરી નથી. કોઈપણ વેપારીની ફ્રેન્ચાઈઝી માટે હાલ નિમણુક શરૂ કરાઈ નથી. તેમજ કોઈ વેપારી પાસેથી ફ્રેન્ચાઈઝીના નામે અમે કોઈ૫ણ પ્રકારની રકમ વસુલતા નથી. રિલાયન્સે મે મહિનામાં ભારતભરમાં તેમની ઓનલાઈન કરિયાણાની શોપીંગ પોર્ટલની શરૂઆત કરી હતી. જીઓ માર્ટ શોપીંગ એપ્લીકેશન સ્થાનિક કરિયાણાની દુકાનોને વોટસએપ દ્વારા ગ્રાહકો સાથે જોડે છે.
રિલાયન્સે વધુમાં ઉમેર્યું હતું કે, જાહેર જનતા, ઉત્પાદકો, વેપારીઓ આવી અનૈતિક વ્યકિતઓ અને તેમની છેતરામણી પ્રવૃતિઓ સામે સાવધાન થવાની જરૂરીયાત છે. અમે અહીંથી ચેતવણી આપીએ છીએ કે, આવી અપ્રમાણિત વ્યકિતઓ સાથે રિલાયન્સ જીઓનાં નામે કોઈપણ જાતનો વ્યવહાર કરવો નહીં અને તેમ છતાં જો કોઈ વ્યકિત આ પ્રકારનો વ્યવહાર કરશે તો તેના માટે રિલાયન્સ જીઓ માર્ટ જવાબદાર રહેશે નહીં. વધુમાં રિલાયન્સ બ્રાન્ડની પ્રતિષ્ઠાને ખરડવાનો પ્રયત્ન કરી રહેલા તત્વો સામે ટુંક સમયમાં રિલાયન્સ જીઓ માર્ટ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.