મ્યુઝિયમ અને પુસ્તકાલયનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાશે
આઝાદીના અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે 5000 ચો. મી. પરિસરમાં ઐતિહાસિક જન્મસ્થળ અને આજુબાજુમાં આવેલ સરકારી ઈમારતોને સાંકળીને ભવ્ય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય (મ્યૂઝિયમ) તથા વિશાળ, સમૃધ્ધ, અદ્યતન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા થનાર છે.
28 એપ્રિલને શુક્રવારના રોજ સવારે 09 કલાકે ચોટીલા સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે આનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ-હસ્તે કરવામાં આવશે. પ્રવાસન, મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા અને મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની, સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઑગસ્ટ 1896 ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના ક્વાર્ટરમાં થયો હતો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની રજૂઆતને માન આપીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2010માં સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત બે-ખંડનાં ઐતિહાસિક જન્મસ્થળનાં મકાનને સહુપ્રથમ વખત જાહેર જનતા માટે ખુલ્લુ મૂકાયું હતું જે ખાસ ઉલ્લેખનીય છે. ચામુંડા માતાજીનાં તીર્થધામ તરીકે ચોટીલા જગવિખ્યાત તો છે જ, પણ સાંસ્કૃતિક-તીર્થ તરીકે પણ વિશ્ર્વભરમાં ખ્યાતિ પામશે. સમગ્ર વિશ્વમાંથી અહિની મુલાકાતે આવનાર ભાવિકો અને ખાસ કરીને નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી વધુ નિકટથી પરિચિત-પ્રેરિત થશે તેમજ રાષ્ટ્ર-ભાવનાનું સંસ્કાર-સિંચન થશે.
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ સ્થિત રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નંબર 8 તેમજ શૌર્યભૂમિ ધંધુકા (જિ. અમદાવાદ) સ્થિત જિલ્લા પંચાયતના રેસ્ટ-હાઉસનો પણ સ્મૃતિ-સ્થળ તરીકે વિકાસ થઈ રહ્યો છે.