દીવાળે જ અંધારા ? રાજયની 17 પ્રાથમિક શાળામાં વિજળી પણ નથી
વિધાનસભા બજેટ સત્રમાં પ્રશ્ર્નોતરી ખાનગી શાળાઓમાં લાયકાત વગરનાં શિક્ષકો નોકરી કરતા હોવાનો સરકારનો સ્વીકાર
ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં આજરોજ શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રશ્ર્નો ઉઠ્યા હતા. જેમાં જરૂરી શિક્ષકોની ભરતી થતી ન હોવાની રાવ, સરકારી પ્રાથમિક શાળામાં 18537 ઓરડાઓની ઘટ તેમજ રાજયની 5353 સરકારી શાળાઓમાં કમ્પાઉન્ડ વોલની સુવિધા ન હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે વિધાનસભામાં પ્રશ્ર્નોતરી દરમ્યાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે ખાનગી શાળાઓમાં લાયકાત વગરનાં શિક્ષકો નોકરી કરતા હોવાનો સરકાર સ્વીકાર કરે છે જોકે એક વર્ષમાં 48 લાયકાત વગરનાં શિક્ષકો સામે કાર્યવાહી કરી દૂર કરાયા છે. પાલનપૂર તાલુકામાં 2019ની સ્થિતિએ 131 શિક્ષકો લાયકાત વગરના છે. રાજયની તમામ આંગણવાડી કેન્દ્ર 16 માર્ચથી બંધ હોવાથી બાળકોનું વજન કરવામા આવ્યું નથી. જોકે કોરોનાકાળમાં તમામ બાળકોને પોષણ પૂરૂ પાડવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતુ. છ માસથી 72 માસના બાળકો માટે પ્રતિ બાળક સરકાર આઠ રૂપિયા ચૂકવે છે.
જોકે ગત વર્ષે રાજયમાં કુપોષિત બાળકોની નોંધણી કરવામાં આવી નથી. રાજયમાં જરૂરી શિક્ષકોની ભરતી યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં થતી હોવાની વાત દોહરાવી હતી. રાજયની 17 જેટલી સરકારી પ્રાથમિક શાળામાં વીજળી જેવી પાયાની સુવિધાઓ પણ ન હોવાનું વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્ર્ન ઉઠ્યો હતો. વિધાનસભા ગૃહમાં સરકારે વધુ માહિતી આપતા જણાવ્યું હતુ કે 2019-20માં રાજયની સરકારી શાળાઓમાં 994 ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં નવી 446 ખાનગી શાળાઓ ખૂલી છે.રાજયમાં છેલ્લા બે વર્ષમા એક પણ ગ્રાન્ટેડ સ્કુલને મંજૂરી અપાઈ નથી.