એઈમ્સમાં સારવાર માટે લોકોને મુશ્કેલી ન પડે તે માટે બંધ પડેલ ખંઢેરી રેલવે સ્ટેશન ફરી શરૂ થશે
કેન્દ્ર સરકારે ગુજરાત રાજયની પ્રથમ એઈમ્સની ભેટ રાજકોટને આપી છે. રાજકોટમાં જામનગર રોડ પર પરાપીપળીયા ખાતે સરકારી જમીન ઉપર એઈમ્સ બિલ્ડીંગ ઉભુ કરવા કામનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ૨૦૦ એકર જમીનમાં એઈમ્સ દ્વારા ૧૯ બિલ્ડીંગો ઉભા કરવામાં આવશે. આ મામલે રાજકોટ એઈમ્સનાં ડેપ્યુટી ડાયરેકટરે વધુ એક મહત્વની જાહેરાત કરી છે. એઈમ્સમાં સારવાર માટે લોકોને મુશ્કેલી ન પડે તે માટે વર્ષોથી બંધ પડેલા ખંઢેરી રેલવે સ્ટેશન પુન: શરૂ કરાશે અને લોકોને આવન-જાવનમાં પણ ખંઢેરી રેલવે સ્ટેશન મહત્વનો ભાગ ભજવશે.
રાજકોટ નજીક જામનગર હાઈવે પર પરાપીપળીયા અને ખંઢેરીના સર્વે નં. ઉપર ૨૦૦ એકર સરકારી જમીન પર એઈમ્સ બિલ્ડીંગ ઉભુ કરવામાં આવી રહ્યું છે. એઈમ્સ ઓથોરીટીએ કમ્પાઉન્ડ વોલ પણ તૈયાર કરી દીધા છે હવે પોતાની જમીન પર ૧૯ જેટલા બિલ્ડીંગો ઉભા કરવાનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે. તાજેતરમાં જ એઈમ્સની પ્રથમ બેંચમાં ૫૦ વિદ્યાર્થીઓને ટ્રેનીંગ આપવાનો કાર્યક્રમ પણ સીએમ રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે રાજકોટ એઈમ્સનાં ડેપ્યુટી ડાયરેકટર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વર્ષોથી બંધ પડેલ ખંઢેરી રેલવે સ્ટેશન પુન: શરૂ કરવામાં આવશે. આ રેલવે સ્ટેશન વર્ષોથી બંધ હાલતમાં છે ત્યારે પુન: શરૂ થતા એઈમ્સ ખાતે દર્દીઓને આવવા-જવામાં મુશ્કેલી નહીં પડે અને ખાસ તો ખંઢેરી રેલવે સ્ટેશન પર ટ્રેનોનો સ્ટોપ શરૂ થશે જેથી બહારગામથી આવતા દર્દીઓ સીધા જ એઈમ્સ ખાતે પહોંચી શકશે.