પ્યારી બહેનોએ લાડકવાયા ભયલાના કાંડે રક્ષા બાંધી: બ્રાહ્મણોએ શુભ મુહુર્ત જનોઇ બદલાવી: ઉત્સવના રંગમાં રંગાતા લોકો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે હોંશ ભેર રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી હતી. પ્યારી બહેનોએ પોતાના લાડકવાયા વિરાના કાંડે રક્ષા બાંધી ભાઇના દિર્ધાયુની પ્રાર્થના ભગવાનને કરી હતી. રક્ષાબંધનના દિવસે ધરતી માતા પર વરૂણ દેવે વ્હાલ વરસાવતા વાતાવરણ ખીલી ઉઠયું હતું. બ્રાહ્મણોએ શુભ મુહુર્ત જનોઇ બદલાવી પરંપરાનું પાલન કર્યુ હતું. રક્ષાબંધનને બળેવ અને નાળીયેરી પુનમ પણ કહેવામાં આવે છે માછીમારો દ્વારા દરિયા દેવનું પુજન કરી સીઝનની શરૂઆત કરે છે.
આજે દેશભરમાં ભારે ઉત્સાવ સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષથી કોરોના કારણે એક પણ તહેવાર મુકત મને ઉજવણી શકાયો ન હતો. આ વર્ષ કોઇ નિયંત્રણ વિના ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હોય લોકોને ઉત્સાહ બેવડાયો છે એક તીથીનો ક્ષય હોવાના કારણે આ વર્ષ ચૌદશના દિવસે જ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે.
સવારે 10.37 કલાક બાદ રાખડી બાંધવાનું શુભ મુહુર્ત હોય બહેનોએ પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી ભાઇજીવનમાં ખુબ જ સુખી થાય, સમૃઘ્ધ બને, લાંબુ આયુષ્ય ભોગવે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. રક્ષાબંધનને ભાઇ-બહેનના પવિત્ર સંબંધનું પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે.
માતા બાદ જો પુરૂષની સૌથી વધુ કોઇ ચિંતા કરતું હોય તો તે બહેન હોય છે.રક્ષા બંધનના દિવસે બ્રાહ્મણ સહિતના વિવિધ સમાજના લોકો દ્વારા જનોઇ બદલવામાં આવે છે આજે બ્રાહ્મણોએ જનોઇ બદલાવી પરંપરાનું પાલન કર્યુ હતું.
રાજકોટ સહીત અનેક શહેરોમાં જનોઇ બદલાવવાનો સામુહિત કાર્યક્રમ યોજાયો હતો આજે માછીમાર સમાજ દ્વારા દરિયાદેવનું પુજન કરીને નવી સીઝનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજથી હવે તહેવારોની મોસમ રુ થઇ ગઇ છે. હવે સતત એકાદ પખવાડીયું વિવિધ તહેવારોની હોંશભેર ઉજવણી કરવામાં આવશે.