‘મોદીજી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ ના નાદ સાથે મહિલાઓએ ધોમધખતા તાપમાં વડાપ્રધાન મોદીજીનું સામૈયું કરી તેમના વધામણા કર્યા હતા. આ જોઈને વડાપ્રધાન મોદી પણ આનંદિત થઈ ગયા હતા. તેઓએ પોતાના સંબોધનમાં મહિલાઓના આ ઉત્સાહને બિરદાવ્યો હતો.
કળશધારી બહેનો સ્વાગતમાં હાજર રહી
આ મહિલાઓ ધોમધખતા તાપમાં મોદીજીને આવકારવા માટે આનંદ ઉત્સાહથી ઉપસ્થિત રહી હતી. લોકાર્પણ સમારોહની વ્યવસ્થામાં રહેનારા 10 હજાર સ્વયંસેવકો માટે મોદીના ફોટાવાળા ખાસ ટી-શર્ટ અને ટોપી પહેરીને આવ્યા હતા. જયારે 30 હજાર જેટલી મહિલાઓને અલગ-અલગ રંગની સાડીઓમાં સજ્જ થઈને ઉપસ્થિત રહી હતી. જેમાં 5 હજાર કળશધારી બહેનો સ્વાગતમાં હાજર રહી હતી.
અનેરો થનગનાટ જોવા મળ્યો
આજે સવારથી જ રાજકોટ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાંથી લોકો ઉમટી પડ્યા હતા અને ફટાફટ ખુરશી મેળવી લેવા માટે મહેનત કરતાં જોવા મળ્યા હતા. એકંદરે 9 વાગ્યા સુધીમાં તો આખો ડોમ પેક થઈ જતાં 9 વાગ્યા બાદ પહોંચેલા લોકોએ ઉભા રહીને પણ વડાપ્રધાનને એકમને સાંભળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા ચાર વર્ષ બાદ જસદણ આવ્યા હોવાથી તેમની એક ઝલક મેળવવા માટે લોકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો.