દુકાન અને કેબિન પર બુલડોઝર ફેરવી ધરાશાયી કરાતા નાસભાગ: પાંચ ઘવાયા: રાજકીય આગેવાન સામે ગુનો નોંધવા તજવીજ
સશસ્ત્ર અથડામણ અને ફાયરિંગમાં ઘવાયેલા બેની હાલત ગંભીર: નાનું એવું ભાડથર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું
અબતક, રાજકોટ
જામ ખંભાળીયા તાલુકાના ભાડથર ગામે જમીન વિવાદમાં બે પરિવાર વચ્ચે ધિંગાણું ખેલાયું હતું. જેમાં દુકાન અને કેબિન પર બુલડોઝર ફેરવી દેતા સમગ્ર મામલો બિચકયો હતો અને જોત જોતામાં બે પરિવાર હથિયારો વડે સામસામે આવી ગયા હતા. જેમાં અચાનક ગોળીબાર થતા પાચ યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાંથી હાલ બે વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે નાનું એવું ગામ ભાડથર પોલીસ છાવણીમાં ફેરવાયું છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ખંભાળીયા તાલુકાના ભાડથર ગામમાં બુધવારે બપોરે જમીન બાબતે બે જૂથો વચ્ચે માથાકુટ બાદ ઘર્ષણ થતા મામલો બિચકયો હતો.
જેમાં કેટલાક એક જુથના અમુક શખ્સોએ હથિયાર વડે ફાયરિંગ કરતા બીજા જુથના ચારથી પાંચ લોકોને ઇજા થઇ હતી. જે તમામ ઇજાગ્રસ્તોને ખંભાળીયાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે પૈકી ગંભીર ઇજાગ્રસ્ત બે લોકોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં એક યુવાનની હાલત અત્યંત નાજુક જાણવા મળી રહી છે.
ભાડથર પાટિયા નજીક જમીન બાબતે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. જે બાબતે એક પરિવારના કેટલાક ઈસમો જેસીબી સાથે ઉપરોક્ત સ્થળે જમીન ખાલી કરાવા માટે ગયા હતા. તે સમયે અન્ય જુથ દ્વારા માથાકુટ થતા આ સમગ્ર મામલો લોહીયાળ જંગમાં ફેરવાયો હતો.બીજી બાજુ આ જમીનનો ખાલી કરાવવા મામલે થયેલો કજીયો આગામી દિવસોમાં મોટું વિકરાળ રૂપ ધારણ કરે તો નવાઈ નહિ એમ પણ સ્થાનિકોમાં ચર્ચાય રહ્યું છે.આ ફાયરિંગ મામલે રાજકીય આગેવાન પ્રતાપ રાણસુર રૂડાચ સહિતના પર આર્મ્સ એકટ તેમજ હત્યાની કોશિશ સહિતની વિવિધ કલમો મુજબ ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જયારે પોલીસે આરોપીઓને પકડી પાડવા જુદી જુદી ટીમો બનાવી દોડધામ શરૂ કરી છે.
આ અંગે ડીવાયએસપી. ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાડથરમાં જૂથ અથડામણમાં પાંચ જેટલા ઇજાગ્રસ્ત થયા છે. આરોપી પક્ષે 20થી 25 જણાનું ટોળું હતું. જે ટોળાએ ધોકા, પાઇપ વડે હુમલો કર્યા બાદ ફાયરિંગ કર્યાનુ સામે આવ્યુ છે.આ અંગેની બનાવની જાણ થતાં ડીવાય એસપી ચોધરી, પીઆઇ જુડાલ સહિતના અધિકારીઓ થતા પોલીસ કાફલો ભાડથર ગામે દોડી જતા નાનું એવું ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.પોલીસ દ્વારા કોઇ અનિઇચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો બંદોબસ્ત મુકાયો છે. પોલીસ ઇજાગ્રસ્ત લોકોનું નિવેદન નોંધી હત્યાની કોશિશ સહિતના ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.