ઝીરો ટકાએ પાક ધિરાણના બદલે વસુલાતું વ્યાજ
હાલમાં ખેતીવાડી માટે ખેડુતોને ખાતર, બિયારણ વિગેરે માટે પાક ધિરાણ જુનુ ભરવાનું અને નવું લેવાનું દરેક બેંકો દ્વારા કામગીરી થાય છે. જેમાં સરકારની જાહેરાત પ્રમાણે ખેડુતોને ઝીરો ટકાએ પાક ધિરાણ આપવામાં આવે છે તેના બદલે દરેક બેંકો ખેડુતો પાસેથી વ્યાજ વસુલ કરે છે. તેજ પ્રમાણે સરકારે જાહેર કર્યા મુજબ પાક ધિરાણ મેળવતા ખેડુતોને રૂ.૩ લાખ સુધીની રકમના ધિરાણ માટે કોઈપણ જાતનું ચાર્જ બેંકો વસુલ કરશે નહીં.
એમાં અમુક બેંકો અન્ય ચાર્જ વસુલે છે અને અમુક બેંકો અન્ય ચાર્જ વસુલતા નથી આવી વિસંગતતા શા માટે ? દ્વારકા તાલુકાના મોજપ, શીવરાજપુર, મકનપુર, ભીમરાણા આ ચાર ગામના પાક વિમા બાબતે અગાઉ રજુઆત કરેલ તેનો ખેતીવાડી ખાતા દ્વારા જવાબ મળેલ છે.
આ ગામના કોઈ ખેડુતોના ખાતામાં વિમાની રકમ મળેલ નથી. લીડ બેન્ક સાથે ભારતીય કિસાન સંઘની બેઠક બાબતે અગાઉ પણ રજુઆત કરેલ ત્યારે એકાદ મીટીંગમાં બોલાવેલ ત્યારબાદ મીટીંગમાં બોલાવતા નથી શા માટે ? તેમ ભારતીય કિસાન સંઘે કલેકટરને લેખિત રજુઆતમાં જણાવ્યું હતું.