Khambhadiya: ખામનાથ મહાદેવ મંદિર તેની ભવ્ય ઘી ની પૂજાને કારણે સમગ્ર વિસ્તાર તથા દેશ-વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. ગત વર્ષે મંદિરના તત્કાલીન ટ્રસ્ટીઓ દ્વારા ઘી ની મહાપૂજાનું કાર્ય કરનાર જાણકાર વ્યક્તિ નહીં મળતા આખો શ્રાવણ માસ ઘી ની મહાપૂજા થઈ ન હતી. જે આ વર્ષે નવા ટ્રસ્ટીઓ દ્વારા પુનઃ શરૂ કરીને આ શ્રાવણ માસમાં કુલ બાર ઘી ની મહાપૂજા યોજવાનું આયોજન જાહેર કરતા શિવ ભકતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ સાથે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગણેશજીની ઘી પૂજાથી પૂજાઓ શરૂ થાય છે અને અમાસના માકેન્ડેય ઋષી કે જે યમરાજથી બચવા મહાદેવના લીંગને ભેટી પડે છે તે પૂજા સાથે પૂર્ણાહુતિ થાય છે.
બાર ઘીની મહાપૂજાઓ:
આ શ્રાવણ માસમાં ખામનાથ મહાદેવ મંદિરે પ-૮-ર૪ ના ગણપતિ પૂજા યોજાય ગઈ હવે ૧ર-૮ ના કાશી વિશ્વનાથ મહાદેવની ઘી મહાપૂજા, ૧૭-૮ ના શિવ વિવાહ, ૧૯-૮ ના શ્રી ગંગા અવતરણ શિવની જટામાં ગંગાનું આગમન, રર-૮ ના કૈલાસ પર્વત મહાપૂજા, રપ-૮ ના પંચમુખી મહાદેવ, ર૬-૮ ના શ્રીકૃષ્ણ જન્મ દર્શન, ર૮-૮ ના શંકર ભીલડી દર્શન, ૩૦-૮ના શિવ પરિવાર દર્શન, ૩૧-૮ ના શૈષ સૈયા દર્શન તથા ર-૯ ના માર્કન્ડેય ઋષી પૂજાના દર્શન યોજાશે.
ઘી ની મહાપૂજાની સમગ્ર સૌરાષ્ટ્રમાં ખંભાળીયામાં ખામનાથ મહાદેવની શરૂઆત થઈ હતી તથા જામનગર અને અન્ય શહેરોમાંથી લોકો આ પૂજા જોવા આવતા તથા લાકડાના ઓઠા પણ લઈ જતાં તથા પછી સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘી મહાપૂજા પ્રચલિત થઈ છે. તેમજ ખંભાળીયામાં ખામનાથ મહાદેવ ઉપરાંત અહીંના પ્રસિદ્ધ રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ, પાળેશ્વર મહાદેવ મંદિરોમાં પણ ઘી મહાપૂજાઓ યોજાય છે. જે મોટાભાગે એક જ પ્રસંગની હોય છે.
નવા ટ્રસ્ટીઓ-હોદ્દેદારોની નિમણૂક:
ખંભાળીયાના પ્રસિદ્ધ ખામનાથ મહાદેવ મંદિરમાં જુના તમામ ટ્રસ્ટીઓએ મોટી ઉંમર, નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામા આપતા તથા કેટલાકનું અવસાન થતાં નવા ટ્રસ્ટીઓ તરીકે પ્રમુખ અમીત એચ. વ્યાસ, એડવોકેટ સેક્રેટરી તરીકે પ્રતિક એમ. જોશી એડવોકેટ, ટ્રસ્ટીઓ તરીકે એડવોકેટ સંજય જે. જોશી, ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા, જયસુખ વી. ધ્રુવ તથા એડવોકેટ લાખાભાઈ આર.ચાવડા નિમાયા છે. જેમણે મંદિરના વિકાસ તથા પરંપરાને આગળ વધારવા આયોજન કર્યું છે.