વેપારી પર હુમલો કરી લૂંટ ચલાવનારા તત્વોને ઝેર કરવા જિલ્લા પોલીસ વડાને નથવાણીની અપીલ
રાજય સભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.ના કોર્પોરેટ અર્ફેસ પરિમલભાઈ નથવાણીએ વેપારી પરના હુમલાને વખોડયો
ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી વેપારી યુવાન પર બે દિવસ પૂર્વે અહીંના તત્વો દ્વારા વિના કારણે છરી દેખાડી , તેને બેફામ માર મારી . સોનાનો ચેન ઝુંટવી લેવાના બનાવના ઠેર – ઠેર ઘેરા પ્રત્યાઘાતો પડયા છે . ચિંતાજનક બની રહેલા આ બનાવ સંદર્ભે ખંભાળિયાના મૂળ વતની તથા રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ગંભીર નોંધ લઇ અને આ મુદ્દે તાકીદે એક્શનમાં આવી જિલ્લા પોલીસ વડાએ કડક હાથે કામગીરો કરવાની અપીલ કરી છે.
ખંભાળિયા નગરપાલિકાના ઉપપ્રમુખ અને રઘુવંશી આગેવાન જગુભાઈ રાયચુરાના વેપારી પુત્ર રાહુલને બે દિવસ પૂર્વે અહીંના નવા નાકા પાસે અટકાવી , બે શખ્સો દ્વારા વિના કારણે બિભત્સ ગાળો કાઢી , માર મારી અને સોનાનો કીમતી ચેન ઝૂંટવી લેતાં આ ગંભીર બનાવ સંદર્ભે ખંભાળિયાના મૂળ વતની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણીએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખંભાળિયામાં લુખ્ખાઓ તથા ગુંડાઓની આ પ્રકારની હિંમત વેપારીઓ માટે ખૂબ જ ચિંતાજનક છે. હું દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાને અપીલ કરું છું કે આવા અસામાજીક તત્વોને શોધી શોધીને તેમની જગ્યાએ પહોંચાડી દયે . મારા વતનમાં આવા અસામાજીક તત્વો માથું ઊંચકી રહ્યા છે, તે બાબત મારા માટે બહુ જ દુ:ખદ છે. આવી બાબત ચલાવી લેવાય નહીં .
આમ, વેપારી પર થયેલા હુમલાને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ આકરા શબ્દોમાં વખોડી કાઢી અને આ પંથકમાં ગુંડા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે .