પિતા-પુત્રએ બોલેરો જીપ નીચે કચડવાનો પ્રયાસ કરી પાઇપ માર્યા
અમરેલીના ખાંભા નજીક ડેડાણ ગામે પ્લોટમાં ફેન્સીગ કરવાના પ્રશ્ર્ને પાડોશી પરિવાર વચ્ચે ચાલતી અદાવતના કારણે દંપત્તી સહિત ત્રણને પિતા-પુત્રએ બોલેરો જીપ નીચે કચડી નાખવાનો પ્રયાસ કરી પાઇપથી માર મારી ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ઘવાયેલા ત્રણેયને સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ડેડાણ ગામે રહેતા મહેશભાઇ મોહનભાઇ મકવાણા અને તેના પિતા મોહનભાઇ છનાભાઇ મકવાણાએ લક્ષ્મીબેન અરજણભાઇ પરમાર, તેના પુત્ર અશોક અને પુત્રવધુ મંજુબેન સાથે જી.જે.14એકસ. 4712 નંબરની બોલેરો જીપ નીચે ચગદી નાખવાનો પ્રયાસ કરી પાઇપથી માર માર્યાની લક્ષ્મીબેન પરમારે ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અશોકભાઇ પોતાના પ્લોટમાં ફેન્સીગ કરવા માટે સિમેન્ટના પીઢીયા મગાવ્યા હતા અશોકભાઇ અને તેમના પત્ની મંજુબેન પીઢીયા માટે ખાડા કરી રહ્યા હતા ત્યારે મહેશ મકવાણા ત્યા આવીને ખાડા ન ખોડવા ધમકાવી ગાળો દીધા બાદ તેના પિતા મોહન છના મકાવાણાને બોલાતા તે પોતાની જી.જે.4એક્સ. 4712 લઇને આવી પ્રથમ મંજુબેન સાથે બોલેરો અથડાવવા પ્રયાસ કર્યા બાદ અશોક સાથે ભટકાડી હતી અને લક્ષ્મીબેન પરમારને પાઇપથી માર માર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ખાંભા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.ડી.ગોહિલે લક્ષ્મીબેન પરમારની ફરિયાદ પરથી મહેશ મકવાણા અને તેના પિતા મોહન મકવાણા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.