ચોમાસાના પ્રારંભે જ સૌરાષ્ટ્ર-કચ્છમાં લીલા દુકાળની ભીતિ: સૌરાષ્ટ્રમાં સિઝનનો 41 ટકા વરસાદ વરસી ગયો જયારે કચ્છમાં સૌથી વધુ 87.33% વરસાદ
રાજ્યભરમાં જાણે મેઘરાજા કોપાયમાન થયાં હોય તેમ છેલ્લા એક અઠવાડીયાથી વરસાદ તુટી પડ્યો છે. ખાસ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજા પ્રથમ વરસાદમાં જ સટાસટી બોલાવી છે હજુ જો આવો ને આવો અનરાધાર વરસાદ વરસશે તો સૌરાષ્ટ્ર – કચ્છમાં લીલા દુકાળની ભીતિ સર્જાશે. સૌરાષ્ટ્રમાં સિઝનનો 41 ટકા વરસાદ વરસી ગયો જયારે કચ્છમાં સૌથી વધુ 87.33 ટકા વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ કાર્યરત થવાથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી લીધી છે. હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પોકાર થઇ છે. બિપરજોય વાવઝોડાને કારણે રાજ્યમાં વરસાદ ખેંચાય તેવી સંભાવના હતી પરંતુ અલનીનોનો છેદ વરસાદે ઉડાડી દેતા પ્રથમ વરસાદમાં જ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યને રસતરબોળ કરી નાખ્યું છે. આજે સવારથી જૂનાગઢના ભેસાણમાં બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. આ ઉપરાંત જૂનાગઢમાં વધુ એક ઈંચ, મહુવામાં પણ એક ઈંચ, માંગરોળ, રાજુલા સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે.સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે અનરાધાર વરસાદ વરસ્યો, વિસાવદરમાં 15 ઈંચથી વધુ અને જંગલ વિસ્તારમાં તો તેનાથી પણ વધુ વરસાદ, જામનગરમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે.
જૂનાગઢમાં ગઈ કાલે વધુ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો. જ્યારે ગિરનાર પર બે દિવસમાં 20 ઈંચ વરસાદથી અનેક નદીઓ, નાળા છલકાયા છે. ગાંધીધામ, ધ્રોલ જોડિયામાં ગઈ કાલે પણ આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. જામગનરમાં તોફાની વરસાદથી મંદિર, તળાવની દિવાલ ધસી પડી. 22 લોકોનું સ્થળાંતર કરાયું છે. જુદી જુદી દુર્ઘટનાઓમાં 6 લોકો ડૂબ્યા જેમાંથી 4 લોકોના મૃત્યુ થયા છે. અંજારમાં 36 કલાકમાં 17 ઈં અને ગાંધીધામમાં આઠ ઈંચ વરસાદ પડ્યો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના છ જિલ્લામાં રેડ એલર્ટ: અતિભારે વરસાદની આગાહી
રાજ્યભરમાં જુલાઈની શરુઆત સાથે જ મેઘરાજાએ જમાવટ કરી છે. રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે.ગુજરાતમાં હજુ પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદનો અનુમાન છે. ખાસ કરીને રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર પંથકમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
સૌરાષ્ટ્રનાદ્વારકા, જામનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, અમરેલીમાં રેડ એલર્ટ આપ્યું છે. સહિતના વિસ્તારમાં અતિભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે.હવામાન વિભાગની આગામી મુજબ સૌરાષ્ટ્ર સહિત હજુ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ભરૂચ સુરત ડાંગ તાપી સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે ઓરેંન્જ એલર્ટ આપ્યું છે. વરસાદના અનુમાનને જોતા કચ્છમાં
પણ હવામાન વિભાગે ઓરેંજ એલર્ટ આપ્યું છે.આગામી ત્રણથી પાંચ દિવસ સુધી હજુ પણ અમદાવાદ ગાંધીનગર વડોદરા નડિયાદ ખેડા સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મોડાસા પાટણ મહેસાણા સહિતના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદનો અનુમાન છે. ખાસ કરીને ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદનો અનુમાન છે.
ભારે વરસાદના કારણે રાજ્યમાં 12 લોકોના મોત
ભારે વરસાદના કારણે ગુજરાતમાં 12 લોકોના મોત થયા છે. જામનગર શહેરમાં ચોમાસાનો પ્રકોપ ખાસ કરીને અણધાર્યો હતો. જેમા ચાર લોકો મૃત્યુ પામ્યા હતા. વિજય પરમાર તરીકે ઓળખાયેલ 11 વર્ષનો છોકરો ગુલાબનગર વિસ્તારમાં ડૂબી ગયો હતો જ્યારે આસિફ સેતા (35) અને આસિફ (13) રણજીત સાગર ડેમમાં ડૂબી ગયા હતા.
ધુવાવ હાઉસિંગ બોર્ડમાં ઘરમાં પાણી ઘૂસી જતાં નેહા ગોદરિયા નામની ત્રણ વર્ષની બાળકીનું મોત થયું હતું. અમરેલીના દામનગરમાં ગુરુવારે રાત્રે શારદા અંધાડ નામની મહિલા તોફાની પાણીમાં ડૂબી ગઈ હતી અને શુક્રવારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બોટાદના બરવાળા તાલુકાના વહિયા ગામમાં 18 વર્ષીય આરતી કટપરાનું દિવાલ ધસી પડતા તેનું મોત નીપજ્યું હતું. આણંદમાં ગુરુવારે દીવાલ ધરાશાયી થવાની ઘટનાઓમાં બે લોકોના મોત થયા હતા.
જૂનાગઢ-જામનગરમાં એનડીઆરએફની ટિમ તૈનાત
રાજ્યમાં અતિભારે વરસાદને લઈને એનડીઆરએફની અલગ અલગ છ ટીમો રાજ્યના અલગ અલગ શહેરોમાં ફાળવવામાં આવી છે. સૌરાષ્ટ્રના જુનાગઢ,જામનગર સહિતના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ પહોંચશે.હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં હજુ પણ આગામી ત્રણથી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.
ખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેટ ડીઝાસ્ટર સેન્ટર ખાતે પહોચ્યા હતા. જ્યાં તેઓએ જૂનાગઢ અને જામનગરનાં જીલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. કચ્છ જામનગર જૂનાગઢ તેમજ નવસારી જિલ્લામાં એન ડી આર એફ ની ટીમો એમ કુલ 4 ટીમો જિલ્લા તંત્રની મદદ માટે મોકલવામાં આવી છે. એસ ડી આર એફ ની બે ટીમ જૂનાગઢ અને જામનગર માં મોકલી દેવાઈ છે.