વેપારી યુવાનને ડરાવી-ધમકાવી-માર મારીને મોટી રકમ પડાવી લીધાની ફરિયાદ
ડી.સી.પી. સહિત સમગ્ર રાજકોટ પોલીસને ગાળો ભાંડનાર શખ્સને કાયદાનું ભાન કરાવું અતિ જરૂરી
અગાઉ પાસા કાપી આવેલા અને હાલ આર્મ્સ એકટના ગુન્હામાં પોલીસ ચોપડે ફરાર કિશન ગઢવી નામના શખ્સનો સમગ્ર ખોડિયારપરા વિસ્તારમાં અસહ્ય ત્રાસ હોવાનું સ્થાનિક વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે ત્યારે ગુન્હાહિત માનસ ધરાવતા ઇસમે ડી.સી.પી. ઝોન-2, પી.આઈ. માલવીયાનગર અને સમગ્ર રાજકોટ પોલીસને પણ બેફામ ગાળો ભાંડી હોય તેવી ઓડિયો કલીપ વાયરલ થતા ચકચાર મચી જવા પામ્યો છે. આ ઓડિયો કલીપ સાંભળતા એક સવાલ ચોક્કસ ઉદ્દભવ્યો છે કે શું રાજકોટમાં ખાખીનો ખૌફ સહેજ માત્ર પણ રહ્યો નથી? હાલ આ લુખ્ખાને કાયદાના પાઠ શીખવી દાખલો બેસાડવાની તાતી જરૂરિયાત છે.
અબતક, રાજકોટ
રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન ખાખીનો ખૌફ ઓસરતો જતો હોય તે રીતે આવારા તત્વો બેફામ બની રહ્યા છે. શહેરમાં લુખ્ખા તત્વોને સહેજ માત્ર પણ કાયદાનો ડર રહ્યો ન હોય તેવી રીતે સામાન્ય લોકો પર લુખ્ખાઓ ત્રાસ વર્તાવી રહ્યા છે. એવી જ વધુ એક ઘટના શહેરમાં પ્રકાશમાં આવી છે. જેમાં ખંડણીખોર લુખ્ખાએ એક નવયુવાનને વારંવાર ડરાવી-ધમકાવી-માર મારીને ખંડણી માંગી હતી. આશરે રૂ. 2.5 લાખથી વધુની રકમ આપી દીધા બાદ પણ આવારા તત્વએ ત્રાસ વર્તાવાનું બંધ નહીં કરતા ભોગ બનનારે પોલીસનો સંપર્ક કરતાં લુખ્ખાએ ડીસીપી, પી.આઈ. સહિત સમગ્ર રાજકોટ પોલીસને બેફામ ગાળો ભાંડી હતી.
રાજકોટ શહેરના ખોડિયારપરા વિસ્તારમાં રહેતો અને અગાઉ મારા-મારી સહિતના ગુન્હામાં પાસામાં ધકેલાયેલો કિશન ગઢવી નામનો શખ્સ ખોડિયારપરા વિસ્તારમાં જ કપડાની દુકાન ધરાવતા યુવાન દર્શન પટેલ નામના યુવાન સાથે ગ્રાહક તરીકે પરિચયમાં આવ્યો હતો. જે બાદ દર્શન પટેલની દુકાન સારી ચાલતી હોય અને વેપાર પણ થતો હોય પ્રથમ વાર આ ઇસમે નાની રકમ ઉછીના પેટે માંગી હતી. જે આપ્યા બાદ ધીમેધીમે આ લુખ્ખો વધુ દબાણ કરવા લાગ્યો હતો. અવાર નવાર દુકાને આવીને થળામાં રહેલા તમામ નાણાં આ લુખ્ખો લઈ જતો હતો.
દરમિયાન એક દિવસ ભોગ બનનારે પૈસા આપવાની ના પાડતા ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ભોગ બનનારને તેની દુકાનેથી અપહરણ કરીને અવાવરું જગ્યા લઈ જઈ ધોકા પાઇપ વડે માર માર્યો હતો. ત્યારબાદ તેણે કુલ 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે નહીં આપે તો આ શખ્સ તેના ઘરે પહોંચીને પરિવારના તમામ સભ્યો સાથે મારકુટ કરશે તેવી ધમકી આપી હતી.
જેના કારણે ભોગ બનનાર ભયના ઓથાર હેઠળ મુકાઈ ગયો હતો. કિશન ગઢવીએ ધમકી આપી હતી કે, આ બાબતની ચર્ચા જો તેણે કોઈ સાથે કરી છે તો જાનથી મારી નાખશે. જેના કારણે ભોગ બનનારની પરિસ્થિતિ ’ન કહેવાય ન રહેવાય’ જેવી થઈ ગઈ હતી. જે બાદ કટકે કટકે આ શખ્સ આશરે અઢી લાખ રૂપિયા ભોગ બનનાર પાસેથી ઉઘરાવી ગયો હતો.
એક સમયે પૈસા નહિ હોવા છતાં કિશન ગઢવીએ પૈસા માંગ્યા હોવાથી ભોગ બનનારે અન્ય કોઈ વ્યક્તિ પાસે નાણાં ઉછીના લઈને પણ આપ્યા હતા. તેમ છતાં આ શખ્સે સતત માંગણી ચાલુ રાખતા ભોગ બનનાર યુવક માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયો હતો. જ્યાં સમગ્ર મામલે અરજી નોંધવામાં આવી હતી.
પોતાની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી થયાની વાત જાણીને લુખ્ખો ઉકળાટમાં આવી ગયો હતો અને ભોગ બનનારને ફોન કરીને ધમકાવવા લાગ્યો હતો. આ ઇસમે ’તું જ્યા ભેગો થઈ જાય ત્યાં તને પતાવી જ દેવો છે’ તેવી ધમકીઓ પણ આપી હતી.
ફક્ત આટલું જ નહીં પરંતુ જાણે આ શખ્સને ખાખીનો સહેજ માત્ર પણ ખૌફ ન હોય તેવી રીતે ’તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દેજે, જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે, કોઈ મારુ કાઈ નહીં બગાડી શકે’ તેવા બણગાં માર્યા હતા. સાથોસાથ કાનમાં જીવડા પડી જાય તેવી ગાળો ડીસીપી ઝોન-2, માલવીયાનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર અને સમગ્ર રાજકોટ પોલીસને ભાંડી હતી.
ડરના માર્યા ભોગ બનનારે સમગ્ર ઘટનાની જાણ તેના પિતા હસમુખભાઈ પટેલને કરી હતી. ત્યારે બંને પિતા-પુત્ર પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને આ શખ્સ ગુન્હાહિત માનસ ધરાવતો હોય અને અવાર નવાર જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય રક્ષણની આજીજી કરી હતી. ત્યારે એક પોલીસ અધિકારીએ આ શખ્સને ફોન કરતા અધિકારીની હાજરીમાં પણ બેફામ બનેલા લુખ્ખાએ ભોગ બનનારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસને ભાંડેલી ગાળોની ઓડિયો ક્લિપ વાયરલ થતાં ચકચાર
પોલીસ અધિકારીની હાજરીમાં લુખ્ખાએ જાનથી મારી નાખવાની આપી ધમકી,ભયભીત યુવાને ભણતર છોડ્યું: દુકાન પણ બંધ કરી દીધી
ખંડણીખોરે એટલી હદે ધમકીઓ આપી હતી કે, ભયના ઓથારમાં જીવતા યુવાને ખોડિયારપરા વિસ્તારમાં આવેલી પોતાની કપડાની દુકાન જ બંધ કરી દીધી. ઉપર જતા પરિવારને આ બાબતની જાણ થતાં પુત્ર એકલો ક્યાંક બહાર નીકળે અને કંઈક અઘટિત બને તેવા ભયને કારણે કોલેજમાં અભ્યાસ કરતા યુવાનનું ભણતર પણ બંધ કરાવી દીધું છે. હાલ આ યુવાનને પરિવારના સભ્યો ઘડી માત્ર માટે પણ એકલો મુકતા નથી એટલી હદે લુખ્ખાના આતંકથી આ પરિવાર ભયભીત થઈ ગયો છે.
લાખો રૂપિયા વસુલ્યા બાદ વધુ અઢી લાખની ખંડણીની માંગ!!
ભોગ બનનાર પાસેથી ખંડણીખોરે કટકે કટકે અઢી લાખ રૂપિયા વસૂલી લીધા બાદ પણ વધુ નાણાંની માંગ સતત ચાલુ રાખવામાં આવી હતી. યેનકેન પ્રકારે ડરાવી-ધમકાવી-માર મારીને ખંડણી વસુલ્તા શખ્સે વધુ અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી. ભોગ બનનારે પૈસા નહીં હોવાનું કહેતાં ઉશ્કેરાયેલા શખ્સે અપહરણ કરીને માર પણ માર્યો હતો અને હવે જો પૈસા નહીં મળે તો હવે સમગ્ર પરિવારને માર મારશે તેવી ધમકી પણ આપી હતી. લુખ્ખાએ ફોન કરીને તેવું પણ કહ્યું હતું કે, મને ખબર છે કે તારી પાસે પૈસા નથી પણ એ મારો પ્રશ્ન નથી, તું ગમે તે કર પણ મને સમયસર પૈસા નહિ મળે તો પરિણામ ખૂબ ખરાબ આવશે.
પાસા હેઠળ ધકેલાયેલા શખ્સને કાયદાનો સહેજ માત્ર પણ ડર નહીં અગાઉ પાસામાં ધકેલાયેલા શખ્સનો સમગ્ર ખોડિયારપરા વિસ્તારમાં આંતક!!
કિશન ગઢવી નામના આ શખ્સને અગાઉ પાસામાં પણ ધકેલાયો હતો પરંતુ તેમ છતાં આ શખ્સને સહેજ માત્ર પણ કાયદાનો ડર નથી. આ શખ્સના ત્રાસથી સમગ્ર ખોડિયારપરા વિસ્તારના લોકો જાણે ત્રાહિમામ પોકારી ગયા છે. આ પ્રકારે આ શખ્સે અનેક ધંધાર્થીઓ પાસેથી ખંડણી સ્વરૂપે નાણાં ઉઘરાવ્યાની ચર્ચા છે. ઉપરાંત આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો રહે છે ત્યારે અનેક પરપ્રાંતીય શ્રમિકો પાસે આ શખ્સે લૂંટ પણ કર્યાની ફરિયાદો ઉઠી છે.