- હિરાસર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમનું કવરેજ કરવા ગયેલા 30થી 35 મીડિયા કર્મીને વાનમાં બેસાડી અને વાહન ડિટેઈન કરતા હોબાળો મચ્યો
- ચા કરતા કિટલી ગરમ હોય તેમ પ્રવિણ મીણાના વર્તણુંકથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માંગી માફી
- નવનિયુકત પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પોલીસની છબી સુધારે તે પહેલા ડીસીપીએ પોલીસની છબી ખરડાવી
- ચોથી જાગીરનું ગળુ ઘુંટવાના ડીસીપી મીણાના હિન કૃત્યથી મુખ્યમંત્રી, કલેકટર, પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને નીચું જોવાનું થયું
વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેકટ અને રાજકોટની ભાગોળે હિરાસર ખાતે નિર્માણધીન એરપોર્ટની રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે સાઈટ વિઝીટ લેવાના હોવાથી કવરેજ કરવા ગયેલા પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મિડીયાના કર્મચારી સાથે રાજકોટ સીટીના ડીસીપી પ્રવિણ મીણા દ્વારા કરવામા આવેલ દાદાગીરીથી મિડીયા કર્મીઓને વાનમાં બેસાડી વાહન ડિટેઈન કરવામાં આવતા હોબાળો મચી ગયો.
સમગ્ર મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દિલગીરી વ્યકત કરી છે. ખાખીનો ખોફના તોરમા રહેલા પ્રવિણ મીણા અયોગ્ય વર્તન સામે પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મિડીયાના કર્મચારીઓ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પગલા લેવાની માંગ સાથે ધરણા પર બેસી ગયા છે.
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટની ભાગોળે હિરાસર એરપોર્ટ નિર્માણધીન પામી રહ્યું છે. થોડા સમયમા આ એરપોર્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવાના હોવાથી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિરીક્ષણ કરવા આવવાના હોવાથી રાજકોટ માહિતી વિભાગની કચેરી દ્વારા પોતાના વાહનમાં મિડીયા કર્મચારીને કવરેજ માટે લઈ જવામાં આવ્યા હતા.
કવરેજ માટે ગયેલા મિડીયા કર્મચારીઓ સાથે રાજકોટ ડીસીપી પ્રવિણ મીણા દ્વારા ચોથી જાગીર પર જાણે ગુન્હેગારો જેવું અને પોલીસને છાજે નહી તેવું વર્તન કર્યું.
ચોથી જાગીરનું ગળુ ઘુટવાના ડીસીપી મીણાના હીન કૃત્યથી મુખ્યમંત્રી પટેલ, કલેકટર અરૂણ મહેશ બાબુ, નવનિયુકત પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહિતના ઉચ્ચ અધિકારીઓ છોભ અનુભવી પડી છે.
મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે કવરેજ માટે મિડીયા કર્મીઓને માહિતી વિભાગમાં લઈ જવામાં આવેલા વાહનને પોલીસે ડીટેઈન કરતા બુધ્ધીનું પ્રદર્શન કર્યું છે.
મીણાની બદલીની માંગ સાથે પત્રકારો સી.પી. કચેરીએ ધરણાં પર
રાજકોટ હિરાસર એરપોર્ટ ખાતે પત્રકારો સાથે ડીસીપી ઝોન-1 પ્રવિણ મિણાએ દુરવ્યવહાર કર્યો હતો અને રીર્પોટરના કાઠલા પકડી જવા માટે કહ્યું હતું. જે અંગે પત્રકારોએ મીણાની બદલીની માંગ સાથે સી.પી. ઓફીસ ધરણા પર બેઠા છે અને પ્રવીણ મીણા હાય… હાય… હાય… ના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ મામલે મુખ્યમંત્રીએ પત્રકારોની માફી માંગી હતી પરંતુ જયા સુધી મીણાની બદલી ન કરવામાં આવે ત્યાં સુધી પત્રકારો ધરણા પર રહેશે તેવું જાણવા મળ્યું હતું.