“આ મારો વિસ્તાર છે” તેમ કહી જુનાગઢમાં એમજી રોડ ઉપર એક શખ્સે રાત્રીના પોલીસ કર્મી ઉપર છરીથી હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. અને નાઈટ પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આ શખ્સ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ દાખલ થતાં પોલીસ સામે લુખાગીરી કરનાર શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
પેટ્રોલીંગમા રહેલા પોલીસમેને પુરપાટ જતાં બાઇક ચાલકને ટપારતા છરી ઝીંકી
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, જૂનાગઢ બી ડિવિઝન પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઉદયસિંહ બાવાભાઈ સિસોદિયા રાત્રિના સમયે પોતાની ફરજ પર હતા અને પેટ્રોલિંગમાં બાઈક પર નીકળ્યા હતા ત્યારે એમ જી રોડ ઉપર રાત્રિના 11 વાગ્યાના અરસામાં સોહિલ શેખ નામનો એક શખ્સ પુરપાટ ઝડપે પોલીસ કર્મીના બાઈકને અડીને પસાર થતાં પોલીસે કર્મી ઉદયસિંહ એ તેમને ટપાર્યો હતો.
પોલીસ દ્વારા આ શખ્સને ટપારાતા સોહીલે પોતાની બાઈક ઉભી રાખી, પોલીસે કર્મીને જણાવ્યું હતું કે, તું મને ઓળખે છે ? હું કોણ છું ? આ મારો વિસ્તાર છે. તેમ કહી ગાળો ભાંડી, ધમકી આપી, છરી કાઢી હવામાં આમતેમ ફેરવતા, પોલીસ કોન્સ્ટેબલ ઉદયસિંહ એ બચાવ કરવા જતા ઉદયસિંહના હાથમાં છરીનો ચરકો પડી જતા પોલીસ કોન્સ્ટેબલને સારવાર લેવી પડી હતી. બાદમાં પોલીસ કર્મી એ જુનાગઢ બી ડિવિઝન પોલીસમાં સોહીલ સામે પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટક કરી છરી વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા, સાહિલ સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે.