સંતકબીર રોડ, કાલાવડ રોડ, રેસકોર્સ અને સોરઠીયાવાડી રોડ પર ૧૦૧ સ્થળોએ ખુલ્લામાં વેચાતી ખાદ્ય સામગ્રીનો નાશ: મીઠો માવો, સોયાબીન તેલ અને બરફીનો નમુનો ફેઈલ
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા હોળીના તહેવારને અનુલક્ષીને અલગ-અલગ સાત સ્થળોએથી ખજુર અને દાળીયાનાં નમુનાં લેવામાં આવ્યા હતા. જયારે સંતકબીર રોડ, કાલાવડ રોડ, રેસકોર્સ અને સોરઠીયાવાડી રોડ પર રાત્રી બજાર, રેકડી અને હોકર્સ ઝોનમાં ૧૦૧ સ્થળે ખુલ્લામાં વેચાતી ખાદ્ય-સામગ્રી પર સઘન કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આરોગ્ય શાખા દ્વારા ૧૩-લાતી પ્લોટમાં બી.જે. ટ્રેડર્સમાંથી હળદર, મીઠાવાળા દાળીયા, ૧૨-લાતી પ્લોટમાં સાંઈ સોના શીંગમાંથી લોસ્ટેડ ચણા, ભાવનગર રોડ પર શ્રીરામ દાળીયા ઈન્ડસ્ટ્રીઝમાંથી મસાલાવાળી ફાડા દાલ લુસ, મેરાનભાઈની વાડી ખાતેથી ભોલા લોસ્ટેડ ચણા, ગોંડલ રોડ પર ઉપહાર સિલેકટેડ ડેડસ (ખજુર), જુનુ માર્કેટીંગ યાર્ડ પાસે યોગેશ્ર્વર અનાજ ભંડારમાંથી મધુર બ્રાંડ સિલકેટેડ ખજુર, પરાબજારમાં અબ્દુલ હુસેન શેખભાઈ એન્ડ સન્સમાંથી સંગમ એકસકલુઝીક સિલેકટેડ ડેડસ (ખજુર)ના નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આરોગ્ય શાખા દ્વારા અગાઉ કોઠારીયા રોડ પર ક્રિષ્ના ડેરીમાંથી લેવામાં આવેલો લુસ મીઠો માવો, ભગવતીપરા મેઈન રોડ પરથી લેવામાં આવેલ વિભોર રીફાઈન સોયાબીન તેલ, મેપ રીફાઈન સોયાબીન તેલ અને રૈયા રોડ પર અંજલી સ્વીટમાંથી શુભ આનંદ દાણેદાર બરફીના નમુના લેવામાં આવ્યા હતા જે પરીક્ષણમાં નાપાસ જાહેર થયા છે. આ ઉપરાંત રૈયા રોડ પર ખોડિયાર મસાલા ભંડારમાંથી સાંઈરામ બ્રાન્ડ હિંગનો નમુનો લેવાયો હતો જે મિસ બ્રાન્ડેડ જાહેર થતા વેપારીને રૂ ૩૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.