ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પાર્ટી દ્વારા લાલ જાજમ બિછાવીને તૈયાર રાખવામાં આવી હોવા છતાં એન.પી. શા માટે મુદત ઉપર મુદત પાડી રહ્યા છે? અકળ સવાલ

રાજકારણમાં સક્રિય થવા અંગે કદાવર પાટીદાર નેતા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ ખુદ જબ્બરી અસમંજસમાં મુકાય ગયા હોય તેવું લાગી રહ્યું છે. તેઓ કયાં પક્ષમાં જોડાશે ? તે અંગે યોગ્ય ફોડ પાડવાના બદલે મુદત પર મુદત પાડી રહ્યા છે ગઇકાલે રાજકોટમાં મીડિયા કર્મચારીઓ સાથેના ગેટ ટુ ગેધરમાં પણ નરેશભાઇએ માત્ર ગોળ ગોળ વાતો કરી હતી અને કયાઁ પક્ષમાં જોડાવવું તે અંગે આવતા સપ્તાહે સત્તાવાર ધોષણા કરશે તેવું  કહ્યું હતું. ત્રણેય પક્ષ દ્વારા આમંત્રણ મળ્યું હોવા છતાં નરેશભાઇ શા માટે મુંજાઇ રહ્યા છે તે પણ એક મોટો સવાલ છે.

ત્રણ મહિના પૂર્વ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલે રાજકારણમાં સક્રિય થવાની ઘોષણા કરતા વિધાનસભાના ચુંટણી વર્ષમાં ગુજરાતમાં જબરો રાજકીય ગરમાવો  આવી ગયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય મુખ્ય રાજકીય પાર્ટી દ્વારા નરેશભાઇ પટેલને પોતાના પક્ષમાં જોડાવવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના સ્વયંસેવકો હાલ ગામે ગામ નરેશભાઇએ રાજકારણમાં જોડાવવું જોઇએ કે નહીં? અને રાજનીતિમાં સક્રિય થાય તો કયાં પક્ષમાં જવું જોઇએ તે અંગે સર્વ કરી રહ્યા છે. સર્વ રિપોર્ટ જાહેર કરવામાં પણ મુદત ઉપર મુદત પાડવામાં આવી રહી છે. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે, 1પમી મે બાદ સર્વ રિપોર્ટ જાહેર કરી દેવામાં આવશે અને ત્યારબાદ નરેશભાઇ કયાં પક્ષમાં જોડાશે તે નકકી કરવામાં આવશે આ મુદત પણ વિતી ગઇ છે.

દરમિયાન ગઇકાલે નરેશભાઇ પટેલે રાજકોટ ખાતે મીડિયા કર્મચારીઓ સાથે ગેટ ટુ ગેધર રાખ્યું હતું. જેમાં તેઓ  કોઇ મોટી જાહેરાત કરશે તેવું અનુમાન રાજકીય પંડિતો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ પત્રકારોના લાખો સવાલ છતાં નરેશભાઇએ મગનું નામ મરી પાડયું ન હતું. માત્ર ગોળ ગોળ વાતો કરી હતી. આગામી 31મી મે બાદ તેઓ કોઇ સત્તાવાર જાહેરાત કરશે તેવું મભમમાં કહ્યું હતું.

એવું પણ ચર્ચાય રહ્યું છે કે નરેશભાઇ પટેલને રાજકારણમાં સક્રિય થવાની તિવ્ર ઇચ્છા છે પરંતુ ચારે બાજુથી દબાણના કારણેતેઓ અસમંજસમાં મૂકાય ગયા છે. ત્રણેય મુખ્ય રાજકીય પાર્ટીએ લાલ જાજમ બિછાવી હોવા છતાં તેઓ કોઇ ફોડ પાડતા નથી. અંદર ખાને જબરુ દબાણ હોવાનું પણ ચર્ચાય રહ્યું છે. અમુક દિગ્ગજો દ્વારા એવી પણ સલાહ આપવામાં આવી રહી છે કે હાલ જેઓ જયાં છે ત્યાં બરાબર છે અને સમાજને તેની જરુરત છે એટલે સમાજ સેવા કરો રાજકારણમાં જવાની કોઇ જ જરુરીયાત નથી. માત્ર કિંગ મેકરની ભૂમિકામાં રહે.

નરેશભાઇએ જો રાજકારણમાં સક્રિય થવું હોય તો હવે સત્તાવાર જાહેર કરી દેવાનો સમય પાકી ગયો છે. કારણ કે આગામી ચાર મહિનામાં વિધાનસભાની ચુંટણીનું સત્તાવાર એલાન થઇ જાય તેવું લાગી રહ્યું છે. આવામાં જો કોઇપણ રાજકીય પક્ષ નરેશભાઇની સંગઠન શકિત અને લોકપ્રિયતાનો પર્યાપ્ત ઉપયોગ કરવો હોય તો તેને પુરતો સમય આપવો પડશે. નરેશભાઇ નિર્ણય લેવામાં જેટલો વિલંબ કરશે તેટલી નુકશાની થવાની દહેશત પણ છે. કોંગ્રેસ સિવાયની બન્ને પાર્ટી ભાજપ અને આપે હવે નરેશભાઇનો મુદ્દો સાઇટમાં મૂકી પોતાની ચુંટણી લક્ષી તૈયારીઓ આરંભી દીધી છે. માત્ર કોંગ્રેસના નેતાઓ છાશ વારે એનપીને પંજો પકડવા આમંત્રણ પાઠવી રહ્યા છે.

રાજનીતીમાં સક્રિય થવા અંગેની ઘોષણા  બાદ જે રીતે નરેશભાઇ પટેલ તારીખ ઉપર તારીખ પાડી રહ્યા છે તેનાથી હવે તેઓની છબી પણ ખરડાઇ રહી છે. વિશ્ર્વસનીયતા પણ ગુમાવી રહ્યા છે. આગામી 31મી મે બાદ નરેશભાઇ કયા પક્ષમાં જોડાશે તેની સત્તાવાર ઘોષણા કરશે કે પછી તલવાર મ્યાન કરી દેશે ? તેના પર રાજકીય પંડિતોની મીટ મંડાયેલી છે.

વડાપ્રધાનના આટકોટના કાર્યક્રમમાં એન.પી. નહીં જાય

આગામી શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જસદણ નજીક આટકોટ ખાતે કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્5િટલના લોકાર્પણ કરવા માટે આવી રહ્યા છે. કદાવર પાટીદાર નેતા નરેશભાઇ પટેલ વડાપ્રધાનના કાર્યક્રમમાં ઉ5સ્થિત રહશે નહીં. વલસાડ ખાતેનો તેઓનો કાર્યક્રમ અગાઉથી ફાઇનલ હોવાના કારણે તેઓ આટકોટ ખાતે હાજર રહી શકશે નહી તેવું તેઓએ મીડિયા કર્મીઓ સાથેના ગુટ ટુ ગેધર કાર્યક્રમમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.