ગાંધીજી જયંતિના દિવસે આઠ લાખના ખાદીના વસ્ત્રોનું વેચાણ
બીજી ઓકટોબર-૨૦૨૦ વિશ્વના મહામાનવ મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતી છે જેને યુનોએ ઠરાવ્યા મુજબ સારુંય વિશ્વ અહિંસા દિવસ તરીકે મનાવે છે. મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફરીને ૧૯૧૫માં અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે પ્રથમ વખત એક હાથશાળ અને વણકરને વસાવી, આપણી રાષ્ટ્રીય અસ્મિતાની ધરોહર સમાન ખાદી વસ્ત્રોને પુન: સ્થાપિત કરી ખાદી વિચાર આપ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજી ઓકટોબરથી ૩૧ માર્ચ ૨૦૨૧ છ મહિના સુધી રાજકોટમાં ત્રિકોણબાગ પાસે આવેલ રચનાત્મક સમિતિ દ્વારા ગુજરાત ખાદીમાં વીસ ટકા અને પરપ્રાંત ખાદીમાં દસ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે. બીજી ઓકટોબરથી લઈ ૬ ઓકટોબર સુધીમાં ખાદીગ્રામ ઉધોગ ત્રિકોણબાગ ખાતે ૮ લાખ રૂપિયાના ખાદીના વસ્ત્રો જેમ કે ઝભ્ભા, કુર્તા, કુર્તી, પેન્ટ ડેનીમના વસ્ત્રો, શર્ટ, સુરવાલ વગેરે. આ વર્ષે ખાસ ઈકોફ્રેન્ડલી કોટન ખાદીના વોશેબલ માસ્ક છેલ્લા ચાર માસથી વેચાણમાં મુકવામાં આવ્યા છે અને લોકો બહોળી સંખ્યામાં તેની ખરીદી કરી રહ્યા છે.
આ વર્ષે ઈકોફ્રેન્ડલી માસ્કનું વેચાણ વધુ: મેનેજર જીતેન્દ્રભાઈ શુકલ
અબતક સાથેની વાતચીત દરમિયાન ખાદી ગ્રામઉધોગ ભવનના મેનેજર જીતેન્દ્રભાઈ શુકલએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષથી અહીં કામ કરુ છું. દર વર્ષની જેમ આ વર્ષે બીજી ઓકટોબરે મહાત્મા ગાંધીજીની જન્મજયંતીથી ગુજરાત ખાદીમાં ૨૦ ટકા અને પરપ્રાંતિય ખાદીમાં ૧૦ ટકા ડિસ્કાઉન્ટ ચાલુ થયું છે. લોકો ખુબ જ ઉત્સાહપૂર્વક ખાદીના કપડાની ખરીદી કરી રહ્યા છે. બીજી ઓકટોબરના અમારે પાંચ લાખની ખાદીનું વેચાણ થયું હતું ત્યારથી દરરોજ અમારે જ એક લાખથી વધુનું વેચાણ થાય છે. યુવાઓ ખાદી તરફ વળ્યા છે તે મોટી બાબત ગણી શકાય. કારણકે પહેલા તો ખાદી મોટા લોકો જ પહેરતા હવે અમે તમામ ખાદીના વસ્ત્રોમાં અવનવી ડિઝાઈનો, કલર કોમ્બીનેશન લાવ્યા છીએ જેથી યુવાઓને તે વધુ પસંદ પડે છે. અમે હાલમાં ઈકોફ્રેન્ડલી માસ્ક પણ બનાવવાનું શરૂ કર્યું છે તેનું પણ સારું વેચાણ થાય છે. આગામી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી અમે ગુજરાત ખાદીમાં ૨૦ ટકા વળતર અને પરપ્રાંતિય ખાદીમાં ૧૦ ટકા વળતર ગ્રાહકોને આપીશું.
વર્ષોથી ખાદીના જ ઝભ્ભા, કૂર્તા જ પહેરું છું: એજીન મોહન
અબતક સાથેની વાતચીત દરમિયાન ગ્રાહક એડવોકેટ એજીન મોહને જણાવ્યું હતું કે, હું વર્ષોથી ત્રિકોણબાગ પાસે આવેલ ખાદી ભંડારમાંથી ઝભ્ભા, કુર્તા, રૂમાલની ખરીદી કરતો આવુ છું. ખાદી એ માત્ર વસ્ત્ર નથી તે એક વિચારધારા છે અને ખાદી તો ગાંધીજીએ શરૂ કરેલ છે તે સ્વદેશી છે તો આપણે તો તેને પહેરવું જ જોઈએ. તેનાથી ઘણા બધાને રોજી-રોટી મળે છે. પહેલા અમારા જેવા જ મોટી ઉંમરના લોકો પહેરતા હવે તો અમે અહીંયા લેવા આવતા હોય તો જોઈએ છીએ કે યુવાનો પણ ખાદીના કપડા લેતા હોય તે સારી બાબત છે.
ગાંધી જયંતિના દિવસે અચૂક ખાદીના વસ્ત્રોની ખરીદી કરીએ: વિપુલભાઈ દત્તાણી
અબતક સાથેની વાતચીત દરમિયાન ગ્રાહક ચાર્ટડ એકાઉન્ટન્ટ વિપુલભાઈ દતાણીએ જણાવ્યું હતું કે, અમે વર્ષોથી ખાદીના કપડા પહેરવાનું પસંદ કરીએ છીએ તેમાં પણ ૨જી ઓકટોબરથી ખાદીમાં ૨૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને ખાદી ખુબ જ સારું પહેરવા માટે અને ગરમીમાં ખુબ સારું તેથી અમે ખાદીના કપડા પહેરવાનું પસંદ કરીએ છીએ. ખાદીએ આપણું સ્વદેશી છે તેથી તે તો પહેરવું જ જોઈએ તેવું હું માનું છે. તેમના પત્નિએ જણાવ્યું હતું કે, મને ખાદીની કુર્તિ તેની ડિઝાઈનો ખુબ જ ગમે તે પહેરવામાં કફંટેબલ હોય તેથી અમે જયારે ૨જી ઓકટોબરથી ડિસ્કાઉન્ટ આવે ત્યારે લેવાનું પસંદ કરીએ.
છેલ્લા પાંચ વર્ષથી સ્વદેશી (ખાદી) તરફ વળી: ભાવનાબેન મહેતા
અબતક સાથેની વાતચીત દરમિયાન ગ્રાહક ભાવનાબેન મહેતાએ જણાવ્યું હતું કે, મને ખાદીના કપડા પહેલા નહોતા ગમતા કારણકે તેવી માનસિકતા હતી. ખાદી તો દાદા-દાદી મોટા જ પહેરે પરંતુ હવે ખાદીમાં નવી-નવી ડિઝાઈન, ગમતા કલર પણ મળી રહે છે તેથી હું છેલ્લા પાંચ વર્ષથી ખાદીની કુર્તી પહેરવાનું પસંદ કરુ છું તેમાં પણ ૨જી ઓકટોબરથી ડિસ્કાઉન્ટ મળે તેથી વર્ષમાં હું ત્રણથી ચાર કુર્તી તો લઈ જ જાવ. તે આપણું સ્વદેશી છે તો તેને તો પહેરવું જોઈએ. તેના ફાયદા પણ છે તે ગરમીમાં ખુબ જ કામ લાગે છે.
બીજી ઓકટોબરથી ૫ ઓકટોબર દરમિયાન ખાદીનું ૮ લાખનું વેચાણ થયું: કાર્યાલય મંત્રી રાજુલભાઈ દવે
અબતક સાથેની વાતચીત દરમિયાન સૌરાષ્ટ્ર રત્નાત્મક સમિતિના કાર્યાલય મંત્રી રાજુલભાઈ દવેએ જણાવ્યું હતું કે, છેલ્લા ૫૦ વર્ષથી ૨જી ઓકટોબરથી ખાદીમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. પહેલા સમયગાળો એક મહિનાનો હતો. ધીમે-ધીમે દોઢ મહિનો થયો અને છેલ્લા વીસ વર્ષથી ૨જી ઓકટોબરથી ૩૧ માર્ચ સુધી ૨૦ ટકા જેટલું ડિસ્કાઉન્ટ સમગ્ર ગુજરાતમાં ખાદીમાં આપવામાં આવે છે. ખાદીમાં ડેનીમની માંગ વધુ હોય છે. રેડીમેટ ગાર્મેન્ટસ તેમાં યંગ જનરેશન માટેના ડિઝાઈનર,
કલરફૂલ કપડા હવે યંગ જનરેશન વધુ ખાદીના કપડા પહેરે છે તેમ કહું તો ચાલે કે ૫૦ ટકા વર્ગ યંગ જનરેશનનો છે. હાલમાં શૂરવાલ, લેડીસ ડ્રેસ, ઝભ્ભા, શર્ટ વગેરેની માંગ વધુ છે. હાલમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે અમે ઈકોફ્રેન્ડલી માસ્ક પણ બનાવીએ છીએ તેનું ખુબ જ વેચાણ થાય છે. તે વોસેબલ માસ્ક છે. માત્ર ૧૮ રૂપિયામાં જ માસ્ક મળે છે. હું તમને જણાવું કે ૨ ઓકટોબરથી શરૂ થયું. આ છઠ્ઠી ઓકટોબર સુધીમાં રાજકોટ ખાદી ભવનનું વેચાણ ૮ લાખ રૂપિયાનું થયું. તે આ સમયમાં મોટી બાબત ગણાય. ખાદીમાં સાદા કલરથી લઈ હાલના ફાસ્ટ કલર પણ ઉપલબ્ધ હોવાથી યુવાનો વધુ આકર્ષાયા છે. હું એમ કહીશ કે ખાદી વસ્ત્ર નહીં વિચારધારા છે તે એટલા માટે છે કે આપણે સ્વતંત્ર થયા ત્યારે ગાંધીજીએ ખાદી અને રેટીયાનો સૌથી પહેલો ઉપયોગ ભારતમાં કર્યો તે તેને વિચાર આપ્યો હતો.