ભારત દેશના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ સૌ મહાનુભાવો સાથે મળીને અમરેલી શહેરના ખાદી ગ્રામોદ્યોગ ભવનની મુલાકાત લઇ ખાદીની ખરીદી કરી સૌને ખાદીની ખરીદી કરવા પ્રેરણા પુરી પાડી હતી.
કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ ખાદીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે પૂજ્ય મહાત્મા ગાંધીજીને અતિ પ્રિય અને આઝાદી વખતે અને આઝાદીની લડતનું એક અભિન્ન અંગ એવી ખાદી પ્રવૃત્તિ મહાત્માજીએ વિકસાવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મ જયંતીની ઉજવણી માટે ખાદી ખરીદી એ દેશભરના કાર્યકર્તાઓને આપ્યો છે.
અમરેલીના સંગઠન દ્વારા ખાદી ભવન ખાતે ઉત્સાહપૂર્વક ખાદી ખરીદવાનો કાર્યક્રમ યોજ્યો હતો. ખાદી ખરીદી પાછળની પ્રધાનમંત્રીની ઈચ્છા છે કે તહેવારોની અંદર આપ જેટલી પણ ખાદીની ખરીદી કરો છો તે છેવાડાના ગરીબ માનવીને રોજીરોટી પુરી પાડે છે અને એમના પરિવારમાં દિવાળીની ઉજવણી પણ રંગેચંગે થાય એવી ઉમદા ભાવના સાથે ઉપસ્થિત સૌએ ઉત્સાહભેર ખરીદી કરી હતી. આ તકે મંત્રીએ તમામને ગાંધીજયંતિની પુન: શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, અગ્રણી ડો. ભરત કાનાબાર, પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ અને તંત્રના અધિકારી કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.