બસમાં 45 લોકો સવાર હતા, ડ્રાઇવરે સ્ટયરીંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત : અનેક લોકો ઘાયલ, મૃતકોની સંખ્યા વધે તેવી શકયતા
હિમાચલના કુલ્લુમાં આજે સવારે એક મોટો રોડ અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખીણમાં પડી હોવાની ઘટના સામે આવી છે.પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બસમાં 45 લોકો સવાર હતા. ડઝનેક ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જેમાં ઘણાની હાલત ગંભીર છે.
અકસ્માતનું કારણ શું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. કુલ્લુમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન ખૂબ જ ખરાબ છે. આજે સોમવારે સવારે લગભગ 8 વાગ્યે કુલ્લુ જિલ્લાના નિઓલી-શાંશેર રોડ પર, ખાનગી બસમાં ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા સાંજ ઘાટીના જંગલ વિસ્તારમાં ઊંડી ખીણમાં પડી ગઈ હતી. બાદમાં બસમાં વિસ્ફોટ થયો હતો.
અંદાજે 16 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ વહીવટી તંત્રએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધુ વધી શકે છે.
દર્ઘટના પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે વહીવટીતંત્ર ઘટનાસ્થળે છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેમણે ટ્વીટર પર લખ્યું, કુલુની સાંજ ખીણમાં ખાનગી બસ અકસ્માતના દુ:ખદ સમાચાર. સમગ્ર પ્રશાસન સ્થળ પર છે, ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. ભગવાન આ ઘટનામાં દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને શક્તિ આપે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ઓછામાં ઓછી જાનહાનિ થાય.
બસમાં સ્કૂલના અનેક બાળકો પણ સવાર હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, આ બસ સાંજ ઘાટીના શનશરથી સાંજ તરફ આવી રહી હતી. તે જ સમયે આ બસ જંગલા નામની જગ્યાએ સિઝર મોડમાં કાબૂ બહાર નીકળી ગઈ હતી અને રોડની નીચે ખાડામાં પડી હતી. સાંઈજ સ્કૂલ તરફ આવી રહેલી આ બસમાં સ્થાનિક લોકો ઉપરાંત સ્કૂલના બાળકો પણ મુસાફરી કરી રહ્યા હતા. કુલ્લુના એસપી ગુરદેવ શર્માના જણાવ્યા અનુસાર બસના અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું, પીએમ ફંડમાંથી મૃતકોના પરિવારોને 2 લાખની સહાય જાહેર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુલ્લુમાં અકસ્માતમાં 16 લોકોએ જીવ ગુમાવ્યાની ઘટના બદલ ટ્વીટર ઉપર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેઓએ મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી અને ઇજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. આ સાથે તેઓએ મૃતકોના પરિવારોને રૂ. 2 લાખની સહાય જાહેર કરી હતી. આ સાથે ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય જાહેર કરી હતી.