૨૦ સ્થળો પૈકી ૧૯ સ્થળોએ યુવી ઇન્ડેકસ નોર્મલ કરતા વધુ નોંધાયો: શહેરીજનો પર ઝળુંબતો ચામડીના રોગનો ખતરો
શહેરી વિસ્તારમાં વૃક્ષારોપણનું ઓછું પ્રમાણ હવે લોકો માટે ઘાતક સાબિત થઇ રહ્યું છે. દિન-પ્રતિદિન તાપમાનનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે. આવામાં આજે શહેરમાં અલ્ટ્રા વાયોલેટ ઇન્ડેકસ હાઇ લેવલે પહોંચી ગયો છે. શહેરના ૨૦ સ્થળો પૈકી એકમાત્ર રેસકોર્સ રિંગરોડને બાદ કરતા તમામ સ્થળોએ યુવી ઇન્ડેકસ નોર્મલ કરતા વધુ નોંધાયો છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે અલ્ટ્રા વાયોલેટ ઇન્ડેકસનું પ્રમાણ ૦ થી ૮ સુધી હોવું જોઇએ જો તેનાથી વધે તો લોકોને ચામડીના રોગો થાય છે. મહાપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં મુકવામાં આવેલી ડીસપ્લેમાં આજે મોટાભાગના સ્થળોએ યુવી ઇન્ડેકસનું પ્રમાણ સામાન્ય કરતા વધુ નોંધાયું છે. ગોંડલ રોડ ચોકડીએ યુવી ઇન્ડેકસ સૌથી વધુ ૧૦.૦૦૧ નોંધાયું છે.
જ્યારે આજીડેમ ખાતે ૮.૩૧, અટીકા ફાટકે ૯.૩૧, ડીલકસ ચોક ખાતે ૮.૧૪, દેવપરા રોડ પર ૯.૮, ગ્રીનલેન્ડ ચોકડીએ ૯.૮૫, હોસ્પિટલ ચોકમાં ૯.૫, જ્ડુસ રેસ્ટોરન્ટ પાસે ૮.૫, જિલ્લા પંચાયત ચોકમાં ૮.૨, કોઠારીયા રોડ પર ૯.૧૫, માધાપર ચોકડી ખાતે ૮.૩૮, મહિલા કોલેજ ચોકમાં ૮.૩૨, મોરબી રોડ પર ૯.૭૯, નાના મોવા સર્કલે ૮.૨૬, પ્રદ્યુમ્ન પાર્ક ખાતે ૮.૧, રેસકોર્સ રિંગ રોડ પર ૭.૯૯, રેલવે સ્ટેશન ખાતે ૯.૫૯, આરએમસી ઓફિસે ૮.૩૮, સોરઠીયા વાડી સર્કલે ૯.૧૪ અને ત્રિકોણબાગ ખાતે યુવી ઇન્ડેકસનું પ્રમાણ ૮.૩૭ નોંધાયું છે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે યુવી ઇન્ડેકસનું પ્રમાણ સામાન્ય કરતા વધુ હોય તો લોકોની ચામડી કાળી પડી જાય છે, ચામડી પર બળતરા થાય છે કે ચામડીના અન્ય કોઇ રોગ થાવાની પણ શકયતા રહેલી છે.
આજે બપોરે જ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં તાપમાનનો પારો સૌથી વધુ હાઇ ૪૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો. આજે રાજકોટનું મહતમ તાપમાન ૪૪ ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના મહાપાલિકા દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. જે રીતે શહેરમાં યુવી ઇન્ડેકસ સતત વધી રહ્યો છે તે ખરેખર ચિંતાનો વિષય છે.