ચોરી કરેલા મોબાઇલમાંથી યુવતીના અવાજમાં વાત કરી પૈસા પડાવવા કારસો ઘડયાનો ઘટ્ટસ્ફોટ
જેતપુરના સાડીના કારખાનેદારને ફોન કરી એક કરોડની ખંડણી માગી ધમકી દેવાના ગુનામાં ઝડપાયેલા ત્રણ શખ્સોની પૂછપરછમાં હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા અને વધારે સોનું પહેરીને ફરતા ભરવાડ યુવાનને હનીટ્રેપમાં ફસાવી મોટી રકમ પડાવવાનો અન્ય ત્રણ સાગરીતો સાથે પ્લાન બનાવ્યાની કબુલાત આપતા પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી તેની સાથે સંડોવાયેલા શખ્સોની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના બાવાવાળાપરામાં રહેતા કારખાનેદારને ખંડણી પડાવવા ફોન પર ધમકી દેવાના ગુનામાં કપીલ ઉર્ફે ટીનો દયારામ નિમાવત, શક્તિ ઝાલા અને રિયાઝ ઉર્ફે બાંગો હનિફ ફકીર નામના શખ્સોની જેતપુર પોલીસે ધરપકડ કરી હતી.
ત્રણેય શખ્સોને પોલીસે રિમાન્ડ પર મેળવી કરેલી પૂછપરછમાં ત્રણેય શખ્સોએ કારખાનેદારને ડરાવવા તેની કારનું ટાયર સળગવ્યાની અને વિમલ દિનેશ ભોજવીયા, ગૌરવ બારોટ અને નિલેષ નામના શખ્સો સાથે મળી હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા અને વધારે સોનું પહેરીને ફરતા જગજીત ઉર્ફે જગી વસંતભાઇ ટોળીયાને હનિટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાનો કારસો રચ્યો હોવાની કબુલાત આપી છે.
છ શખ્સોએ પોતાની બેકારી દુર કરવા મોબાઇલની લૂંટ ચલાવી યુવતીના અવાજમાં જગજીત ઉર્ફે જગી ટોળીયા સાથે વાત કરી ખોડલધામ નજીક અવાવ જગ્યાએ બોલાવી પહેરેલા ઘરેણા અને રોકડ પડાવવા પ્રયાસ કર્યાની કબુલાત આપતા પોલીસે તમામ સામે ગુનો નોંધી નિલેષ નામના શખ્સની શોધખોળ હાથધરી છે. કપીલ ઉર્ફે ટીનો, રિયાઝ ઉર્ફે બાંગો અને ગૌરવ બારોટ નામના શખ્સો અગાઉ દાના અને હનિટ્રેપના ગુનામાં પોલીસ ચોપડે ચડયાનું બહાર આવ્યું છે. પી.આઇ. વી.આર.વાણીયા અને રાઇટર મેહુલભાઇ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.