સોમનાથ ખાતે યોજાયેલી મીટીંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વર્ષ માટે ટ્રસ્ટની અધ્યક્ષ તરીકે કેશુભાઈ પટેલની વરણીની કરી જાહેરાત
સોમનાથ ટ્રસ્ટના વર્તમાન અધ્યક્ષ કેશુભાઇ પટેલની સર્વાનુમતે વરણી ટ્રસ્ટના ૨૦૧૭ના વર્ષના અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. સોમનાથ મંદિર સંકુલ ખાતેના વીઆઇપી ગેસ્ટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બુધવારે યોજાયેલી સોમનાથ ટ્રસ્ટની મીટિંગમાં તમામ ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં વધુ એક વર્ષ માટે અધ્યક્ષ તરીકે કેશુભાઇ પટેલની વરણી કરતો પ્રસ્તાવ નરેન્દ્ર મોદી દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેને માજી નાયબ વડાપ્રદાન અને સાંસદ લાલકૃષ્ણ અડવાણીએ પ્રથમ ટેકો આપ્યો હતો, બાદમાં તમામ સભ્યોએ સમર્થન આપ્યું હતું. આ પ્રસંગે પ્રસાદ સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથ ટ્રસ્ટને ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી.
ટ્રસ્ટની ૧૧૬મી બેઠક અધ્યક્ષ કેશુભાઇ પટેલ તથા અન્ય સભ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાસદ લાલકૃષ્ણ અડવાણી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી ઉપરાંત જે.ડી. પરમાર તથા હર્ષવર્ધન નિવેટિયા (અંબુજા પરિવાર ) ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી, જેમાં અગાઉના નિર્ણયો અને પ્રગતિની સમીક્ષા સાથે ટ્રસ્ટની નાણાંકીય બાબતોની વિચારણા કરાઇ હતી. દેશનાં મહત્વનાં શહેરોમાં સોમનાથ ઉત્સવ ઉજવવાનો નિર્ણય લેવાયો હતો. ૫૧ શક્તિપીઠોમાં વિલુપ્ત થયેલી ચંદ્રભાગા શક્તિપીઠની સોમનાથના પ્રભાસ ક્ષેત્રમાં પુન:સ્થાપના કરવાનું નક્કી કરાયું હતું. મીટિંગ અંગે ટ્રસ્ટી સભ્ય પી.કે.લહેરીએ જણાવ્યુ હતુ કે, મીટીંગમાં વિવિધ એજન્ડા ઉપર ચર્ચા-વિચારણા થઇ હતી અને પાંચ વર્ષ દરમિયાન યાત્રિકોને આપવામાં આવેલ સુવિધા અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને બુકલેટ અર્પણ કરવામાં આવી હતી. સોમનાથ દર્શને આવતા દેશ-વિદેશના ભાવીકોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે અને રહેવા-જમવાની સુવિધા મળે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ કામગીરી આવનાર છે.