જય વિરાણી, કેશોદ:
એક તરફ સ્વ્ચ્છ ભારત અભિયાન હેઠળ કોરોડો રૂપિયાનો ખર્ચ કરી સ્વ્ચ્છતા માટે પ્રયાસો થઈ રહ્યા છે તો બીજી તરફ ઘણા ગામડા-શહેરોમાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. ત્યારે જુનાગઢ જિલ્લાના કેશોદમાં બસ સ્ટેન્ડને આધુનિક સુવિધાસભર બનાવવા માટે સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરાયો છે. છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય રીતે જાળવણી કરવામાં આવતી ન હોવાથી કદરૂપું બની ગયું છે.
કેશોદ બસ સ્ટેન્ડ અંદર અને બહાર જ્યાં નજર નાંખો ત્યાં ઠેર-ઠેર કચરો નજરે ચડી આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વ્ચ્છ્તા અભિયાનના કેવા લીરેલીરા ઊડી રહ્યા છે. કેશોદ બસસ્ટેન્ડમાં પ્લેટફોર્મ પરથી બસ ઉપડે તો બન્ને બાજુએ કચરો ભુખડી બસ ઉભી હોવાની ચાડી ખાય છે. રાત્રીના સમયે ખાણીપીણીનાં વેપારીઓ દ્વારા એકસ્પાઈરી ડેઈટ વાળાં ખાદ્યપદાર્થો સળગાવી પ્રદુષણ ફેલાવાય છે.
કેશોદ બસ સ્ટેન્ડ પાછળનાં ભાગે આવેલી ગટરની કુંડીઓ ઉભરાઈને રસ્તા પર ફેલાતા રોગચાળો વકરવાનો મોટો ભય તોળાઈ રહ્યો છે. તેમછતાં રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જાહેર સ્થળોએ કોરોના રોગચાળો ફેલાવાની સંભાવના વધારે છે ત્યારે સરકાર દ્વારા નિયંત્રણ લાગું કરવામાં આવે છે
પરંતુ કેશોદ બસ સ્ટેન્ડમાં તો ગંદકી ફેલાવી રોગચાળાને સામેથી નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે અને જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ નાક આડો હાથ ધરી નીકળી જાય છે. આવી સ્થિતિમાં મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેનો ઉકેલ તત્કાલિન લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.