પ્રૌઢને મોતને ઘાટ ઉતારનાર ભાગીદાર સહિત પાંચ શખ્સોની શોધખોળ

કેશોદમાં અગાઉના ફાયનાન્સના ધંધાના પૈસાની લેતી-દેતીના પ્રશ્ન ચાલતા ઝઘડાનો ખાર રાખી ચાર ચોક નજીક ફાઈનાન્સના ભાગીદાર સહિત પાંચ શખ્સોએ કુહાડી અને ધોકા વતી હુમલો કરી પ્રૌઢને મોતને ઘાટ ઉતાર્યો હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે હત્યારાઓની શોધખોળ હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદના ત્રિલોકપરા વિસ્તારમાં રહેતા અને ભાગીદારીમાં ફાઈનાન્સનો ધંધો કરતા ભીખારામ ભગવાનજી હરિયાણી (ઉ.વ.૪૫)ને ચાર ચોક નજીક રામા ભામા રાજુભામા દિવ્યેશ રામા ભુપત રબારી અને બોઘા રબારીએ આંતરી ધોકા, હોકી, કુહાડી અને દાંતરડા જેવા હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર અર્થે કેશોદ બાદ વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા. પ્રૌઢને સારવાર મળે તે પૂર્વે રસ્તામાં જ દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી.

પોલીસની પ્રાથમિક પુછતાછમાં મૃતક ભીખારામ હરિયાણી અને રાજુભામા રબારી છેલ્લા આઠેક વર્ષથી ભાગીદારીમાં ફાઈનાન્સનો ધંધો કરતા હતા પરંતુ છેલ્લા છએક માસથી પૈસાની લેતી-દેતીનો ઝઘડો ચાલતો હતો. જેનો ખાર રાખી બેંકમાં પૈસા લેવા જઈ રહેલા ભીખારામ પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું છે. આ બનાવ અંગે કેશોદ પોલીસે હત્યારા સામે ગુનો નોંધી શોધખોળ આદરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.