ત્રીસ વર્ષથી પાંચ વિઘામાં બોરડી વાડી સારૂ ઉત્પાદન લે છે
‘મન હોય તો માળવે જવાય’ અને ’ખેડુત નું સાચું ધન ખેતી’ કહેવતો ને સાર્થક કરતા માણેકવાડાના ખેડૂતે પરંપરાગત નિપૂણતા કૌશ્લયને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને અન્ય ખેડૂતોથી અલગ ખેતી કરી પરંપરાગત રીતે ખેતી કરતા ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે.
કેશોદ તાલુકાના માણેકવાડા ગામના પ્રગતશીલ યુવા ખેડુત હીતેષભાઈ ડાંગરે કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ બાગાયતી ખેતી અપનાવી છે. છેલ્લા ત્રીસ વર્ષથી પાચ વિઘામાં બોરડીની વિવિધ પાંચ જાતોની જેવી કે સુરતી કાંઠા, ખારેક, એપલ, ચોકલેટ, ગોલાબોર સહીતની બોરડીનું વાવેતર કરી, ઓછા ખર્ચે , મોંઘા બિયારણો અનેે દવાના વપરાશ વગર તેમજ ઓછી મજૂરીએ સારૂ ઉત્પાદન મેળવી રહ્યાછે.
આ અંગે હિતેષભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, એક વખત બોરડીનું વાવેતર કર્યા બાદ વર્ષો સુધી ઓછા ખર્ચે અન્ય ખેત પેદાશો ઘઉં, માંડવી કરતા વધુ ઉત્પાદન કરી સારૂ વળતર મેળવી શકાય છે. જેમાં દર વર્ષે પાંચ વિઘામાં આશરે વીસથી પચ્ચીસ હજારનો ખર્ચ થાય છે, જેની સામે બે લાખથી વધુની આવક મેળવી શકાય છે. આ ઉપરાંત બોરડીના પાક ને દરેક પ્રકારનું વાતાવરણ અનેેે જમીન અનુકૂળ આવતા પાક નિષ્ફળ જવાની શક્યતા રહેતી નથી.
હાલમાં બોરની સીઝન શરૂ હોય, હિતેષભાઈ ડાંગર કેશોદ, જુનાગઢ, રાજકોટ સહીતની બજારોમાં બોરનું વેચાણ કરી રહયા છે, હાલમાં પીસતાલીસ રૂપીયા પ્રતી કિલોના ભાવથી વેચાણ થઈ રહયુ છે. બાગાયતી ખેતી કરતા હિતેષભાઈ ડાંગરે અંતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે સરેરાશ ડીસેમ્બરના અંતમાં જાન્યુઆરી મહીનાની શરૂઆતમાં બોરનું ઉત્પાદન શરૂ થાય છે હાલમાં ગોલાબોરનું થોડા દિવસો વહેલું ઉત્પાદન શરૂ થયું છે જ્યારે અન્ય જાતના બોરનું બે સપ્તાહ બાદ ઉત્પાદન શરૂ થશે. આ સાથે જ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા અન્ય ખેડૂતોને હિતેશભાઈ ડાંગરે બાગાયતી ખેતી અપનાવાની નવી રાહ ચીંધી છે.