જીવદયા એ જ સાચી માનવતા અને માનવ સેવા એજ પ્રભુ સેવા પંક્તિઓને સાર્થક કરતા કેશોદના સોના-ચાંદીના વેપારીએ નાનામાં નાના જીવ કીડીથી લઈને પશુ-પક્ષી, માનવીની સેવા કરવા અનોખી ધૂણી ધખાવી છે. છેલ્લાં ૨૦ વર્ષથી અબોલ પશુ-પક્ષીઓ ભૂખ્યાં ન રહે એ માટેની અખૂટ ચિંતા કરે છે. રોજના ૨ કલાકનો સમય ફાળવી ૫ કિલોમીટર ચાલીને પશુ-પક્ષીઓને ખોરાક આપવાનું કામ કરે છે. તેમણે આ કાર્ય માટે અત્યારસુધીમાં કોઈની પાસે પૈસા માટે લાંબો હાથ કર્યો નથી. છેલ્લા બે દાયકામાં અનિલભાઈ ખેરાએ પોતાના ખિસ્સામાંથી પશુ-પક્ષીના ખોરાક માટે ૫૦ થી ૬૦ લાખ રૂપિયા વાપર્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ સેવાયજ્ઞ તેઓ જીવશે ત્યાં સુધી પોતાના ખર્ચે જ ચાલુ રાખશે. અનિલભાઈએ જણાવ્યું હતું કે તેઓ તેમના નિત્યક્રમ મુજબ પશુ-પક્ષીઓના ખોરાક માટે નિયત કરેલાં સ્થળો પર જાય છે. કેશોદના રેલવે સ્ટેશન, ભારત મિલ, ચાર ચોક શંકર મંદિર, પોલીસ ક્વાર્ટર, સરકારી દવાખાનું, સરકારી ગેસ્ટ હાઉસ, પીડબ્લ્યુડી, ચાંદીગઢના પાટિયા જેવાં જુદાં-જુદાં સ્થળો પર આવેલાં વૃક્ષો પર મકાઈના ડોડા લટકાવી દે છે. પક્ષીઓ મકાઈના ડોડામાંથી દાણા ચણી જાય પછી વધેલા ડોડાને બીજા દિવસે આવી એકત્ર કરે છે. બાદમાં આ ડોડાને રસ્તામાં રઝળતી ગાયોને આપી દે છે, તેમજ ઘરેથી લોટ સાથે નીકળી રસ્તામાં કીડિયારું પણ પૂરતા જાય છે. આ સિવાય કૂતરા અને બિલાડાઓને ગાંઠિયા અને બિસ્કિટ પણ ખવડાવે છે. મૂડી કે મિલકત કરતાં અબોલ જીવોના ખોરાક માટે વધુ ચિંતા કરતા અનિલભાઈએ જણાવ્યું હતું કે રસ્તા પર રઝળતા ઢોર માટે ક્યારેક તો ખેતર ભાડે રાખે છે. આ ખેતરમાં ગાજર, જુવાર કે મકાઈ વાવી ગાયોને ખવડાવે છે. જો ચારાની તાત્કાલિક જરૂર પડે તો ખેતરમાં ઊભા લીલા ચારાની સીધી ખરીદી કરી લે છે. અનિલભાઇના સેવાના સારથી બનીને તેમની પત્ની, પુત્ર ભાર્ગવ અને પુત્રવધૂ પણ મદદ કરે છે. તેઓ માંથી કોઇ બહાર ગયું હોય તો પરિવારનો કોઇ એક સભ્ય પશુ-પક્ષીઓને ખોરાક પહોંચાડે છે.પરિવારના સભ્યોના સાથ સહકારથી અનિલભાઈ રસ્તા પર ભૂખ્યા રહેતા લોકોને નાસ્તો પણ કરાવે છે. તેમજ શિયાળાની ઋતુમાં આ લોકોને ઓઢવા માટે ધાબળાની પણ વ્યવસ્થા કરી આપે છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત