રૂ.27 લાખ વ્યાજ સહિત ચુકવી દીધા છતાં રૂ.1.25 કરોડની ઉઘરાણી કરી બે શખ્સોએ 18 વિઘા જમીન લખાવી લીધી
કેશોદ તાલુકાના ભાટસીમરોલીના યુવાને તેના જ ગામના બે શખ્સો પાસેથી રૂા.27 લાખ વ્યાજે લીધા બાદ બંને શખ્સોએ ધાક ધમકી દઇ રૂા.1.25 કરોડની પઠાણી ઉઘરાણી કરી 18 વિઘા જમીન લખાવી લેતા યુવકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાટ સીમરોલી ગામના યશપાલ મેરંગભાઇ યાદવ નામના યુવાને તેના જ ગામના અશોક સરમણ જાડેજા અને કિરીટ વિરમ રામ નામના શખ્સોએ ધાક ધમકી દઇ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી 18 વિઘા જમીન લખાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.યશપાલ યાદવને ખેતીના કામ માટે પૈસાની જરૂર પડતા અશોક જાડેજા પાસેથી માસિક 18 ટકા વ્યાજના દરે રૂા.16 લાખ લીધા હતા તે પૈકી રૂા.12.50 લાખ ચુકવી દીધા હતા તેમ છતા તે રૂા.90 લાખની ઉઘરાણી કરી ભત્રીજાની 10 વિઘા જમીન લખાવી લીધી હતી.જ્યારે કિરીટ રામ પાસેથી રૂા.17 લાખ માસિક 10 ટકા વ્યાજના દરે લીધા હતા તેને રૂા.11.50 લાખ ચુકવી દીધા હોવા છતાં તેને રૂા.35 લાખ વ્યાજ સહિત માગણી કરી ધમકી દઇ 8 વિઘા જમીનનું સાટાખત કરાવી લેતા બંનેના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.