જય વિરાણી, કેશોદ:
રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં મજબૂત સુધારા લાવવા નવી શાળા, અધતન સુવિધાઓ તેમજ અન્ય વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે જુનાગઢ જિલ્લાના કેશોદમાં 61 વર્ષ જુની સરકારી ગર્લ્સ હાઇસ્કુલ હવે તદન નવા રંગરૂપમાં જોવા મળે તે માટે રૂ. 2.60 કરોડનો ખર્ચ થશે. કરોડોના ખર્ચે બનનાર આ શાળાનો વિકાસ થતાં 11-12 સાયન્સને મંજૂરી મળી શકે તેમ છે. વિદ્યાર્થીનીઓના ઉત્તમ અભ્યાસ માટે અહી લેબોરેટરી, લાયબ્રેરી, કોમ્યુટર લેબ સહિતની આધુનીક સુવિધાઓમાં વધારો થશે.
કેશોદ શહેરમાં 1960થી કાર્યરત તાલુકાની એકમાત્ર સરકારી ગર્લ્સ હાઈસ્કુલનું બાંધકામ જર્જરિત બનતાં સ્કુલ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીનીઓનું શૈક્ષણિક કાર્ય અન્યત્ર ખસેડવામાં આવ્યું હતું ત્યારથી આ સ્કુલ બંધ થશે તેવી શહેરમાં ચર્ચાઓ જાગી હતી. આ સ્કુલમાં તાલુકાભરની 300 કરતાં વધુ દીકરીઓ અભ્યાસ કરતી હોય તેવા સમયે શિક્ષણવિદ્ અને સામાજીક કાર્યકર બિજલભાઇ સોંદરવાએ આ ગર્લ્સ સ્કુલ અભ્યાસ કરતી મધ્યમ અને ગરીબ વર્ગની દીકરીઓ માટે ચિંતા કરી સતત સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્ય દેવાભાઇ માલમ સહિતનાઓને રજૂઆત કરી હતી.
આ રજુઆતોના પગલે આરએન્ડબી વિભાગે 6 કલાસ રૂમ, 1 લાયબ્રેરી, 3 લેબોરેટરી, 1 સ્ટાફ રૂમ, 1 કોમ્યુટર લેબ, 1 વહીવટી રૂમ, 1 વોટર રૂમ, 4 ડબલ્યુ/સી 3 સીડી, 2 ઈલેક્ટ્રીક રૂમ સહિતના 1126 ચોરસ મીટર ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની જગ્યાનો ડિઝાઇન પ્લાન તૈયાર કર્યો છે. આ તમામ સુવિધાઓનો સંભવિત ખર્ચ 2.60 કરોડ થશે. આ પ્લાનને મંજૂરી માટે મોકલી અપાયો છે. ત્યારબાદ એસ્ટીમેન્ટ, વહીવટી મંજુરી, ટેન્ડરીંગ સહિતની પ્રક્રિયા હાથ ધરાશે જેને 6 મહિના જેવો સમય લાગશે ત્યારબાદ નવી સ્કુલનું માળખું તૈયાર થશે.
નવા બાંધકામની જાહેરાત થતા શિક્ષણવિદ્, વિદ્યાર્થીનીઓ અને વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે. બાંધકામ પુર્ણ થયે કેશોદ સરકારી ગર્લ્સ હાઇસ્કુલ મેનેજમેન્ટે તાલુકાની એકમાત્ર હાઇસ્કુલને ધ્યાને રાખી ધોરણ 11-12 સાયન્સનું ભણતર શરૂ થાય તે માટે સ્કુલના નવા બાંધકામ બાદ પ્રપોઝલ મુંકવા વિચારણા ચાલી રહી છે. આ મંજુરી મળતાં સાયન્સમાં અભ્યાસ કરતી દીકરીઓને અભ્યાસ કરવા દુર જવું નહીં પડે..!!