જય વિરાણી,કેશોદ
કેશોદના કણેરી ગામનાં વતની અને છેલ્લાં દશ વર્ષથી સીમા સુરક્ષા દળના કોન્સ્ટેબલ તરીકે આસામની બોર્ડર પર ફરજ બજાવતાં મહેશભાઈ મક્કા 9 તારીખનાં રોજ ફરજ દરમ્યાન આકસ્મિક ઘટનામાં વીરગતિ પામ્યા હતા. તેમનો પાર્થિવ દેહ વિમાન માર્ગે અમદાવાદ ખાતે લવાયો હતો અને ત્યાંથી વાહનમાર્ગે કેશોદના બાયપાસ પહોંચાડવામાં આવ્યો હતો. મહેશભાઈ મક્કાની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકો અંતિમયાત્રા માં જોડાયાં હતાં.
કેશોદ બાયપાસથી ચાદીગઢ પાટીએ થઈ શરદ ચોક,ચાર ચોક, એરપોર્ટ રોડ, ફુવારા ચોક થઈ અક્ષયગઢ,રાણેકપરા થઈ કણેરી ગામે તેર કિલોમીટર સુધી રોડ ની બન્ને બાજુએ હજારો લોકો જોડાઈ શ્રધ્ધાંજલી આપી હતી અને જનમેદની વચ્ચે તેર કિલોમીટર અંતર પાંચ કલાકે કપાયું હતું.
વીર શહીદ મહેશભાઈ મક્કાનાં ઘરે પાર્થિવ દેહ લાવવામાં આવતાં ગમગીની છવાઈ ગઈ હતી. કેશોદના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ પરિવારજનોએ શ્રધ્ધાંજલી આપી હતી અને માજી સૈનિકો અને આસપાસના રહીશો દેશભક્તો એ શ્રધ્ધાંજલી આપી હતી. કેશોદના કણેરી ગામનો પનોતો પુત્ર વીરગતિ પામી શહિદ થયા બાદ ગાર્ડ ઓફ ઓનર સાથે પુરાં માન સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. દેશનાં કાજે શહીદી વ્હોરી લેનાર મહેશભાઈ મક્કા નો પાર્થિવ દેહ માદરે વતનમાં પંચમહાભૂતમાં વિલીન થયો હતો.