જય વિરાણી, કેશોદ: કેશાેદના બામણાસા ઘેડ ગામે ગત વર્ષે ચાેમાસામાં ઓઝત નદીમાં ઘાેડાપુર આવતાં નદી કાંઠાનો 87 મીટર લાંબી પાડ તુટી ગઈ હતી. જેના કારણે નીચાણવાળા અસંખ્ય ગામોના હજારો હેક્ટરમાં વાવેતર કરાયેલા મગફળી તેમજ ચાેમાસું પાકને નુકશાન થયું હતું. આ નુકશાનથી અન્નદાતાઓ હેરાન હતા. આ તૂટેલી પાડને ફરીથી બાંધી શકાય તેવી ત્યાંના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ન હતી.
ત્યારે ઘટના સ્થળની મુલાકાતે આવેલા સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય દેવા માલમને સંરક્ષણ દિવાલ બનાવવા માટે ખેડૂતોએ રજૂઆત કરી હતી. ખેડૂતોની રજુઆત સાંભળી સાંસદ અને ધારાસભ્યએ અધિકારીઓ સાથે મુલાકાત લઈ જરૂરી રકમ ફાળવી તાત્કાલિક અસરથી કામ શરૂ કરવા સુચના આપી હતી. કેશોદના વહીવટી તંત્ર દ્વારા સત્વરે પ્લાન એસ્ટીમેન્ટ બનાવી વહીવટી અને તાંત્રિક મંજૂરી મેળવી 43 લાખનાં ખર્ચે 87 મીટર લંબાઈ અને 6.5 મીટર ઉંચાઈ સાથેની મજબૂત પુર સંરક્ષણ દિવાલ નું કામ ચોમાસું બેસે એ પહેલાં પુરું કરી દીધું હતું.
આ સરકારી કામગીરીને ઝડપી બનાવવા સરપંચ પુત્ર સામત નંદાણિયા તેમજ તા.પં સદસ્ય નારણ કરંગિયાએ સરકારી કચેરીઓના સતત સંપર્ક બનાવી રાખી કામગીરી પાર પાડી હતી. ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ થતા તે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે ખેડૂતોએ સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય દેવા માલમ અને બીજા અધિકારીઓનો આભાર માન્યો હતો.