સહી ઝુંબેશ પ્રતિક ધરણા કેશોદ બંધ રસ્તા રોકો આંદોલન ચુંટણી બહિષ્કાર કરવાના મુડમાં
કેશોદ વ્યાપારી મહામંડળ દ્વારા ગાદોઈ ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકો પાસે ટોલટેક્ષમાં મુકિત આપવામાં આવે તેવી માંગ સાથે ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ટોલનાકા ઓથોરીટીને પણ લેખિત-મૌખિક રજુઆતો કરી હતી ત્યારબાદ વ્યાપારી મહામંડળ સાથેની ટોલનાકા ઓથોરિટીની મીટીંગ મળી હતી પણ જેમાં વ્યાપારી મહામંડળ માંગણી ટોલનાકા ઓથોરિટી દ્વારા સ્વિકારવામાં ન આવતા મીટીંગ નિષ્ફળ રહી હતી. ગાદોઈ ટોલનાકામાં સ્થાનિક વાહન ચાલકોને કે ટોલનાકાથી ૩૦ કિલોમીટરની ત્રિજયામાં આવતા હોય તેને ટોલટેક્ષમાંથી મુકિત આપવા બાબતે વ્યાપારી મહામંડળની ફરીથી મીટીંગ મળી હતી. જેમાં આક્રમક વલણ અપનાવવાની રજુઆત થતા વેપારીઓએ સહમતી બતાવી ટોલટેક્ષ સંપૂર્ણ માફ ન કરવામાં આવે ત્યાં સુધી લડત ઉગ્ર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં નકકી થયા મુજબ આગામી સોમવારથી વ્યાપારી મહામંડળ દ્વારા કેશોદના ચાર ચોક વિસ્તારમાં ટ્રાફિક પોલીસ મથકની બાજુમાં સહી ઝુંબેશ પ્રતિક ધરણા શ‚ કરવામાં આવશે જે પાંચ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવશે. દરરોજ સવારે ૯ વાગ્યાથી ૫ વાગ્યા સુધીનો કાર્યક્રમ યોજાશે. જેમાં ૪૫ જેટલા જુદા-જુદા વેપારી એસોસીએશનો જોડાશે અને શનિવારે ૧૬ તારીખે કેશોદ બંધનું એલાન આપ્યું છે જેમાં કેશોદ સજજડ બંધ રાખી ગાદોઈ ટોલનાકા પર વ્યાપારી મહામંડળ શહેરીજનો આજુબાજુના વિસ્તારના વાહન ચાલકો વાહનો દ્વારા ટોલનાકે રસ્તા રોકો આંદોલન કરી ચકકાજામ સહિત કાર્યક્રમો યોજાશે. આ તમામ કાર્યક્રમો આપવા છતાં પણ જો ટોલટેક્ષ નાબુદ કરવામાં નહીં આવે તો વ્યાપારી મહામંડળ દ્વારા ચુંટણી બહિષ્કાર કરવાની પણ વ્યાપારી મહામંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.