જય વિરાણી, કેશોદ:
રાજયનાં 33 જિલ્લાની 10879 ગ્રામ પંચાયતો માટે આગામી 19મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે. જેને લઈ ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગ્રામ્ય સ્તરે પોતાનો વાવટો ફરકાવવા મથી રહ્યા છે ત્યારે તોડજોડની નીતિ પણ શરૂ થઈ ગઈ છે. જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનાં હાડલા ગામના વતની અને જુનાગઢ જિલ્લા પંચાયતનાં પુર્વ સદસ્ય તથા કેશોદ માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન પ્રવિણભાઈને ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ટેકો આપવા ધાક ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
પ્રવીણભાઇ પોલાભાઇ બોરીચા ઉ.વ.૫૧ રહે.હાંડલા બજારમા હાલ.કેશોદ રામ નગર આંબાવાડી તા.કેશોદ ઘરે જઇ જેમ ફાવે તેમ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો આચરતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ભરતભાઇ રામભાઇ બોરીચા, પ્રભાતભાઇ રામભાઇ બોરીચા, ભરતભાઇ દેવાયતભાઇ બોરીચા, પરેશભાઇ બાલુભાઇ બોરીચા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડિસેમ્બર મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે કેશોદ તાલુકાનાં હાડલા ગામે ધાકધમકીની ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો આવી ગયો છે.