જય વિરાણી, કેશોદ:
હાલ વરસાદી સીઝન પૂર્ણ થઈ છે અને છીછરા નદી-નાળામાંનું વરસાદી પાણી ખાલી થવા જઈ રહ્યું છે. ત્યારે નદી નાળાના જળચર પ્રાણી બહાર આવતા જોવા મળતા હોય છે. રહેણાક વિસ્તારોમાં મહાકાય મગર ચડી આવવાના ઘણા બનાવો બનતા હોય છે ત્યારે આજરોજ કેશોદ નજીક આવેલ પીપળીધારમાં મગરે દેખા દેતા આસપાસના વિસ્તારોના લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
પીપળીધારમાં આવેલ ભરડિયા વિસ્તારમાં પૃથ્વી સ્ટોન ક્રસરમાં આજે સવારે મગર ચડી આવતા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગ તેમજ લાયન નેચર રેસકયુ ટીમ ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી હતી અને મગરનું મહામહેનતે રસ્ક્યું કરવામાં આવ્યું હતું. મગર માદા તેમજ આશરે પાંચ થી છ ફૂટની હોવાનું જાણવા મળ્યું હતું. મગરનું રેસ્ક્યૂ કરી વનવિભાગે મગરનો કબજો લઇ મોટા જળાશય વિસ્તારમાં છોડવામાં આવ્યો છે.