હાલના સમયમાં તબીબી ક્ષેત્રે ટેક્નોલોજીનો બહોળો વપરાશ થઈ રહ્યો છે. જે રોગ એક સમયે જીવલેણ સાબિત થતા તેને હવે તબીબી ક્ષેત્રે નવા સંશોધન અને ટેક્નોલોજીથી તેનો ઈલાજ સામાન્ય કરી નાખ્યો છે. પરંતુ આ ઈલાજ માટે ખર્ચો પણ ખુબ આવે છે. જે ગરીબ અથવા સામાન્ય વર્ગના માણસોને પોસાય તેમ નથી. આ સમસ્યા પર કેશોદના ડો. હિંગોરાએ ગુજરાત સરકાર સામે એક માંગ કરી છે.
ડો. સાહેબ પોતાની વાત કરતા જણાવે છે કે, ‘એક મહિલા તેમની પાસે આવી હતી. જેમને ઓપરેશન કરવાની ખુબ જરૂર હતી. પરંતુ તેથી આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તે ઓપરેશન કરાવી શકે તેમ ના હતી.’ મહિલાએ ડો. સાહેબને કહ્યું કે, ‘ ડૉ. સાહેબ ઓપરેશન કરાવવું જરૂરી છે, પરંતુ અત્યારે અમારી પાસે આટલા નાણાંની કોઈ સગવડતા નથી.’
આવા દર્દભર્યા ઉદગાર દર્દીનાં સાંભળીને કેશોદના ડૉ હિંગોરાનુ હ્રદય દ્રવી ઉઠ્યું. સેવાનાં રંગે રંગાયેલા તબીબે ઉંડાણપૂર્વક તપાસ કરતાં હકિકત ધ્યાનમાં આવી કે, જે મહિલાને સત્વરે ઓપરેશન ની જરૂરિયાત છે એ મહિલાની આર્થિક સ્થિતિ નબળી છે. અને મા અમૃતમ યોજના હેઠળ તેઓની બિમારીનો રાજ્ય સરકાર દ્વારા સમાવેશ કરવામાં આવ્યો ન હોવાથી મજબુરીમાં દર્દ સહન કરી રહ્યાં છે.
સામાન્ય રીતે મહિલાઓમાં વધું પ્રમાણમાં જોવા મળતાં એપેન્ડીક્ષ, સારણગાંઠ, ટાંકા વાળું ઓપરેશન તથા ગર્ભાશયની કોથળી જેવી બીમારીઓની સારવાર ‘માં અમૃતમ કાર્ડ’માં સમાવેશ કરવામાં આવેલ ન હોવાથી દર્દીઓને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. તેથી ‘માં અમૃતમ યોજના’માં એપેન્ડીક્ષ, ગર્ભાશયની બીમારી સહીત વિવિધ બીમારીઓના ઈલાજનો સમાવેશ કરવામાં આવે તેવી ડો. હિંગોરાની માંગ છે.
શહેરના અગ્રણી સર્જન ડો.એચ.એમ હિંગોરાએ ઉપરોકત માંગણી કરતા જણાવ્યું છે કે, ‘કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં ગરીબ માણસોની આર્થિક કમ્મર તુટી ગયેલી છે. અત્યારે જે દર્દીઓ અમારી પાસે આવે છે. તે દર્દીઓ પોતાને બીમારીઓનું નિદાન કરાવે છે. ઓપરેશન લાયક દર્દીઓને ઓપરેશનની સલાહ આપીએ છીએ. ત્યારે તેઓ સૌ પ્રથમ ખર્ચનું પૂછે છે, અને તેમાંથી મોટા ભાગના દર્દીઓ એવું જણાવે છે કે “સાહેબ ઓપરેશન કરાવવું જરૂરી છે, તે વાત બરાબર,પરંતુ અત્યારે આટલા રૂપિયાની સગવડતા અમારાથી થઈ શકે તેમ નથી તેથી થોડા સમય રાહત થાય તેવી દવા લખી આપો.’
ઉપરોકત હકિકત જણાવતા, ડો.હિંગોરાએ વિશેષમાં ઉમેરેલું કે માણાવદરનું એક પેશન્ટ આવેલું. આ પેશન્ટને એપેન્ડીક્ષની બીમારી હતી. તેમની પાસે ‘મા અમૃતમ’ કાર્ડ હતું. પરંતુ કાર્ડમાં એવો નિયમ છે કે ઓપરેશન વાળો જરૂરી ભાગ સોનોગ્રાફીમાં આવે તો જ સરકાર તરફથી તેની રકમ જે તે હોસ્પીટલને મળે જે આ કેસમાં અશકય હતું.
આવી જ એક મહિલા પેશન્ટ શાપુરથી આવેલું. તેણીને ગર્ભાશયની કોથળીની બીમારી હતી. તેનું પણ ઓપરેશન જરૂરી હતું. તેની પાસે પણ ‘માં અમૃતમ’ યોજના હેઠળ નું કાર્ડ હતું. પરંતુ નિયમ મુજબ તેનું ઓપરશન આ કાર્ડમાં થઈ શકે તેમ ન હતું. જેથી ફરજીયાત પોતાના ખર્ચે જ આ ઓપરેશન કરાવવું પડે તેમ હતુ, અને ઓપરેશનનો ઓછામાં ઓછો ચાર્જ તેણીને જણાવ્યો. તો પણ દર્દીનેને પોષાય તેમ ન હતો. આથી તેણીએ એમ કહેલું કે, ‘સાહેબ કામ ચલાવ રાહત થાય તેવી દવા લખી આપો. રૂપિયાની સગવડ કરી પાછી આવીશ.’
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના પ0 હજારથી વધુ વિઘાર્થીઓને વેકિસન અપાશે
ડો, હિંગોરાએ ઉપરીત હકીકત જણાવતા કહ્યું હતું કે, ‘આવા સંખ્યાબંધ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે. તાલુકા મથકે સરકારી હોસ્પીટલોમાં આવા ઓપરેશનની સગવડતાનો અભાવ જીલ્લા મથકે પહોંચવાની અને જે તે સરકારી હોસ્પીટલમાં ઓપરેશન કરાવવાની જાણકારી અને અનુભવના, અભાવે આવા દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક ડોકટરોની સલાહ મુજબ તાલુકા મથકે આવે છે. પરંતુ ત્યાં ઉપરોક્ત મુશ્કેલીના કારણે સારવાર લઈ શકતા નથી અને પારાવાર યાતનાઓ મુંગા મોઢે સહન કરે છે.
દર્દીઓની આવી સ્થિતિ જાણી અને ઘણી વખત અમારા હૃદય પણ દ્રવી ઉઠે છે. પરંતુ આવા કેસોમાં અમારી પણ લાચારી હોય છે. આખરે તો અમે પણ એક માનવી જ છીએ. આવા દર્દીઓની ઉપરોકત યાતનાઓના નિવારણ માટે તેમણે અંતમાં માંગણી કરતા કહયું હતું કે, ‘સારણ ગાંઠનું ટાંકાવાળું ઓપરેશન, એપેન્ડીક્ષ, ગર્ભાશયની બીમારી જેવી અલગ અલગ બીમારીઓ માટે નવેસરથી જ સર્વે કરાવી તેની સારવારનો તબીબી સહાય આપતા વિવિધ સરકારી યોજનાઓમાં સમાવેશ કરી, ગરીબ માણસોને ખરા અર્થમાં તબીબી સારવાર આપવી એ આજના સમયની અત્યંત જરૂરી માંગ છે. દર્દીઓની આ સ્થિતિ માટે અત્યારે સૌએ સાથે મળી વિચારવું અત્યંત જરૂરી છે.
એક ડોકટર તરીકે આવી વિચારણા કરવી તે આપણો પાયોનો ધર્મ છે. કેશોદના સેવાભાવી ડૉક્ટર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના લોકો ની આરોગ્ય ની ચિંતા કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની તબીબી વિભાગની વિવિધ યોજનાઓ માં ફેરફાર કરવાની માંગ કરી છે. ત્યારે કેશોદ શહેર તાલુકામાં અન્ય સામાજિક સંસ્થાઓ અને પ્રજાનાં ચુંટાયેલા પ્રતિનિધિઓ પણ માંગણી કરે, તો પરિણામ સ્વરૂપે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને લાભ મળી શકે તેમ છે.