જય વિરાણી, કેશોદ:
કેશોદ નગરપાલિકા બની એ પહેલાં નગરપંચાયતનાં શાસનકાળમાં કેશોદથી અગિયાર કિલોમીટર દૂર આવેલ સાબળી નદીમાં પાતાળ કુવા બનાવી જેકવેલ મારફતે કેશોદ શહેરમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. પરંતુ આ સાબળી વોટર વર્કસ યોજના છેલ્લાં દશેક વર્ષથી બંધ કરી અભેરાઈએ ચડાવી દેવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જો આ યોજના ફરી શરૂ કરવામાં આવે તો પાલિકાને લાખો રૂપિયાનો ફાયદો થાય તેમ છે, ઉપરાંત નગરજનોને પણ મોટી રાહત મળી શકે તેમ છે.
અહેવાલ અનુસાર, કેશોદ નગરપાલિકા દ્વારા હાલની સ્થિતિએ રોજીંદા પચાસ લાખ લીટર પાણી વેચાતું લેવામાં આવે છે જેનાં કારણે કેશોદનાં રહીશો પાસેથી રૂપિયા ૯૫૦/- જેટલો પાણીવેરો વસુલવામાં આવે છે ત્યારે સાબળી વોટર વર્કસ યોજના શરૂ કરવામાં આવે તો સામાન્ય ખર્ચમાં રોજેરોજ ચાલીસ લાખ લીટર પાણી મળી રહે તો કેશોદના રહીશોને એકાંતરા પાણી વિતરણ થઈ શકે અને પાણીવેરો ઘટાડી શકાય તેમ છે.
કેશોદ નજીક આવેલાં મઘરવાડા ડેરવાણ ગામ પાસે આવેલ સાબળી નદીમાં ખોરાસા પાસે ડેમ બાંધવામાં આવ્યો હોવાથી પુરતાં પ્રમાણમાં પાણી ભરાઈ રહેતું હોય ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા સાબળી વોટર વર્કસ યોજના શરૂ કરવામાં આવે તો શહેરીજનોને આવશ્યક સુવિધાઓમાં વધારો થવાની સાથે આર્થિક ફાયદો પણ થાય એવું છે. આથી આ યોજના ફરી શરૂ કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.