જય વિરાણી. કેશોદ:
એક તરફ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદની ખેંચ વર્તાઇ રહી છે. સિંચાઈના પાણી માટે ખેડૂતોમાં કાળી ચિંતા વ્યાપી છે. ત્યારે કેશોદ, મેંદરડા અને વંથલી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી સાબળી નદી અને રાતડી નદી પર બાંધવામાં આવેલ ડેમનું પાણી સૌની યોજના હેઠળ ખેડૂતોને ન આપવામાં આવતા વિરોધસૂર ઉઠ્યો છે.
સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના હેઠળ ખેડૂતોને સાબળી અને રાતડા ડેમને બાકાત રાખવામાં આવતાં ખેડૂતોમાં રોષ પ્રવર્તયો છે. આ બાબતે આજરોજ કેશોદના નાયબ કલેકટર કચેરીએ કેશોદ, મેંદરડા અને વંથલી તાલુકાનાં વીસ ગામનાં સરપંચોએ ખેડૂતોને સાથે રાખી આવેદનપત્ર આપ્યું હતું.
આગામી દિવસોમાં નિર્ણય ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી
ઓછા વરસાદથી ડેમ ખાલી થતાં સિંચાઇને લઇ ખેડુતોને ચિંતા સતાવી રહી છે ત્યારે સૌની યોજનામાં સમાવેશ નહીં કરવામાં આવે તો આવનારાં દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું તેમ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. સૌરાષ્ટ્રમાં બે ત્રણ વર્ષે એકાદ વર્ષ ઓછાં વરસાદને કારણે ખેતીની ઉપજમાં નબળું વર્ષ થાય છે ત્યારે સાબળી અને રાતડા ડેમને સૌની યોજનામાં સમાવેશ કરવામાં આવે તો સિંચાઈનું પાણી મળવાની આશા બંધાઈ હતી ત્યારે સૌની યોજનામાં બાકાત રાખવામાં આવતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે.