જય વિરાણી, કેશોદ
એક તરફ સરકાર નાગરિકોને તમામ સવલતો પૂરા પાડવાના વાયદા કરે છે તો બીજી તરફ લોકો પ્રાથમિક સવલતોથી પણ વંચિત રહે છે. આવી જ ઘટના કેશોદમાં બની છે જ્યાં હાઈમાસ્ટ ટાવરની લાઈટો બંધ થતાં નગરપાલિકા રોશની શાખાના કર્મીઓને રીપેરીંગની કામગીરી માટે ઉતારવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી લાઇટને રીપેર કરી ફરીથી લગાવવામાં આવી નથી.
કેશોદ નગરપાલિકા દ્વારા શહેરમાં અજવાળાં પાથરવા માટે આ હાઈમસ્ટ લાઈટ લગાડવામાં આવી હતી. આ લાઈટ ધારાસભ્યની ગ્રાન્ટ વર્ષ ૨૦૧૬-૧૭ માંથી જુનાગઢ જિલ્લા આયોજન સમિતિ દ્વારા મંજુર કરવામાં આવી હતી. જેને ૨.૭૫૦૦૦/- રૂપિયાનાં ખર્ચે શરદચોક અને ફુવારા ચોક વિસ્તારમાં લગાડવામાં આવી હતી.
શરદચોક વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ઉભાં કરાયેલ હાઈમાસ્ટ ટાવરની લાઈટો બંધ થતાં નગરપાલિકા રોશની શાખાના કર્મીઓને રીપેરીંગની કામગીરી માટે ઉતારવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી લાઇટને રીપેર કરી ફરીથી લગાવવામાં આવી નથી જેથી સ્થાનિક વિસ્તારના લોકો રોષે ભરાયા છે.
કેશોદના સતાધારી પક્ષના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ સામાજિક સેવા સંઘના પ્રમુખ હાઈમાસ્ટ ટાવરની લાઈટો વહેલાસર ચાલું કરાવી આપશે કે કેમ એ ચર્ચાનો વિષય બની ગયો છે. શિયાળામાં સાંજના સમયે વહેલું અંધારપટ થઈ જતું હોય ત્યારે શરદચોક વિસ્તારમાંથી સોનીબજાર, શાકમાર્કેટ, જુની બજાર લીમડાચોક અને જુનાં ગામતળ વિસ્તારોમાં રહેતાં વેપારીઓ અને રહીશો અહીંથી પસાર થતાં હોય ત્યારે આ હાઈમાસ્ટ ટાવરની લાઈટો વહેલાસર ચાલું કરવામાં આવે તો શહેરીજનોને સુવિધા ઉપલબ્ધ થઈ શકે તેમ છે.