જય વિરાણી, કેશોદ
કેશોદ શહેરમાં રાજ્ય સરકારની સુચના મુજબ વેપારીઓ અને ફેરિયાઓ માટે ખાસ કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કેશોદ તાલુકા શાળામાં આરોગ્ય વિભાગ દ્વારા કેશોદ વેપારી મહામંડળનાં સહયોગથી કર્યું હતું. શહેરનાં વેપારીઓ, ફેરિયાઓ અને ખાનગી નોકરી કરતા ગુમાસ્તાઓ સવારથી ટોકન મેળવવા લાઈનમાં ઉભી ગયાં હતાં ત્યારે રાજકીય દખલગીરી કરી સતાધારી પક્ષના પદાધિકારીઓ અને પ્રતિનિધિઓ દ્વારા વચ્ચે થી ટોકનો અપાવી ઘુસણખોરી ચાલું કરાવતાં વિવાદો ઉભા થયાં હતાં.
કેશોદ શહેરના વેપારીઓ માટે ફાળવવામાં આવેલ વેકસીનનાં મોટાં જથ્થામાંથી અડધોઅડધ તો ગૃહસ્થ મહિલાઓને આપવામાં આવતાં વેપારીઓ,ફેરીયાઓ રસીકરણ થી વંચિત રહ્યાં હતાં. આરોગ્ય વિભાગને પહેલેથી જાણ હોય કે વધું સંખ્યામાં રસીકરણનો કેમ્પ યોજવામાં આવ્યો છે ત્યારે અવ્યવસ્થા સર્જાઇ નહીં એ માટે આગોતરું આયોજન કરી જવાબદાર અધિકારીઓ એ હાજર રહેવું જોઈએ પરંતુ ત્યાં કોઈ પણ અગાઉથી આયોજન કરવામાં આવ્યું નહોતું અને મહિલાઓનાં ટોળાં આવી ચડતાં એક હજાર કોરોના વેકસીનનાં ડોઝમાં અડધાથી વધારે ડોઝ મહિલાઓને આપી દેવામાં આવતાં વેપારીઓ માટેનો રસીકરણ નો કેમ્પ મહિલાઓનો કેમ્પ બની ગયો હતો.
કેશોદ વેપારી મહામંડળ નાં પ્રમુખ યોગેશભાઈ સાવલીયા એ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે રાજકીય દખલગીરી નાં કારણે વ્યવસ્થા ખોરવાઈ ગયેલ છે ત્યારે ફરીથી માત્ર ને માત્ર વેપારીઓ અને ફેરિયાઓ માટે ખાસ કોરોના રસીકરણ કેમ્પ ફાળવવામાં આવે. કેશોદ શહેરમાં ત્રણ હજારથી વધારે વેપારી સંસ્થાનો અને ચારસોથી વધારે કારખાનાં આવેલાં છે ત્યારે તમામ ને રસીકરણ માટે વિવિધ એશોશીએસનો સાથે આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવશે નહીં તો સંપુર્ણ સફળતા મળવી મુશ્કેલ છે.