જય વિરાણી, કેશોદ: આપણા દેશની ન્યાય પ્રણાલીમાં કોર્ટ સમક્ષ માત્ર અને માત્ર સત્ય બોલવું અને તમામ સત્ય હકીકતથી કોર્ટને માહિતગાર કરવાની દરેક પક્ષકારની પ્રાથમિક ફરજ છે. જો કોઈ પક્ષકાર કોર્ટ સમક્ષ સોગંદ ઉપર ખોટી જુબાની આપે કે પોતે જાણતા હોવાની સત્ય માહિતી કે હકીકત કોર્ટથી છુપાવે તો તે ન્યાયિક દ્રષ્ટિએ ગુન્હો બને છે.
કોર્ટમાં ખોટું બોલવાની એક ઘટના સામે આવી છે. જેમાં માળીયાહાટીના કોર્ટમાં ક્રિષ્ના (ડો/ઓ હરિ જમનાદાસ ધનેશા) એ બંને સગીર પુત્રીઓના ભરણપોષણના વધારાની અરજી અને પોતાના પતિને નોકરીમાંથી બરતરફ કરવાની અરજી કરેલ હતી. અરજી કરી હોવા છતાં નામદાર કોર્ટ સમક્ષ સોગંદ ઉપર ખોટું બોલતા માળીયાહાટીના કોર્ટે ૨૯-૦૬-૨૦૧૯ ના રોજ ક્રિમિનલ ઇન્કવાયરી દાખલ કરેલ.
જે ઇન્કવાયરીમાં રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના નિવેદનોને ધ્યાને લઇ માળીયા હાટીના કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ મુજબનો ગુન્હો બનતો હોવાનું જણાય છે. પ્રથમ દ્રષ્ટિએ જોતા જણાય આવે કે કરવામાં આવેલ અરજીમાં વજૂદ દેખાય આવે છે. તેથી સરકારી હોસ્પિટલ કેશોદ ખાતે ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા દિપેન અટારા દ્વારા કરવામાં આવેલી અરજી માળીયાહાટીના કોર્ટના ફોજદારી કેસ રજીસ્ટરે નોંધવાનો હુકમ ફરમાવેલ છે.
ક્રિષ્નાનું ભરણપોષણ પણ આવી જ રીતે કોર્ટ સમક્ષ ખોટી રજૂઆતો અને વગર કારણે પતિગૃહનો ત્યાગ કરવાના કારણે જ કરેલ હોય તેવું તમામ કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવતા નામંજૂર કરવામાં આવેલ છે. તેમજ આ કામના આરોપી ક્રિષ્ના સામે ફોજદારી કાર્યરીતિ સંહિતાની જોગવાઈ અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૯૧, ૧૯૩, ૧૯૯, ૨૦૦ મુજબ સમન્સ કાઢવાનો હુકમ ૩૧-૦૫-૨૦૨૧ ના રોજ ફરમાવેલ છે.
હવે આ ફોજદારી કેસમાં શું પરિણામ આવશે એ તો સમય જ કહેશે.
દિપેનભાઇ અટારાએ આ કેસ કોર્ટમાં ન્યાયિક સલાહકાર માળીયાના વિલાસ ગોરડ અને કેશોદના એમ.ડી. દેવાણીના માર્ગદર્શન હેઠળ પાર્ટી ઇન પર્સન એટલે કે જાતે જ લડેલ છે, અને કોર્ટ સમક્ષ જાતે જ પોતાની અરજી અન્વયે દલીલ લેખિત અને મૌખિક સ્વરૂપે રજુ રાખેલ. આ સાથે દીપેન અટારા જણાવે છે કે, ‘આજે પણ પોતાની પત્ની અને બંને સંતાનોને કોઈપણ શરતો સાથે પોતાની સાથે સ્વીકારી લેવા માટે તૈયાર છે.’
ચલાલામાં પણ એવો એક કેસ સામે આવ્યા હતો
ગત વર્ષે પણ ચલાલાની પરિણીતાએ આવા જ એક ભરણપોષણના વધારાના કેસમાં કોર્ટ સમક્ષ સોગંદ ઉપર ખોટી જુબાની આપેલ કે પોતે પોતાના ફઈબાના મકાનમાં ભાડે રહે છે. તેવું સોગંદ ઉપર ખોટું બોલેલ અને અમરેલીના એડિશનલ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટે ગુન્હો સાબિત થતાં ત્રણ વર્ષની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારતો સમાજમાં દાખલારૂપ હુકમ કરેલ.