જય વિરાણી, કેશોદ

કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સમગ્ર દેશમાં અસંગઠિત ૩૮ કરોડથી વધારે શિક્ષીત-અશિક્ષીત અને કૌશલ્ય ધરાવતાં- કૌશલ્ય ન ધરાવતાં ઉપરાંત ખેતીવાડી સાથે જોડાયેલા શ્રમિકો કે જેઓની ઉંમર ૧૬ થી ૫૯ વચ્ચે હોય એવાં તમામને ઈ-શ્રમ કાર્ડ આધારકાર્ડ સાથે જોડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેશોદ પંથકમાં પણ ભારત સરકાર નાં શ્રમ અને રોજગાર વિભાગ અંતર્ગત ઈ-શ્રમ કાર્ડ કાઢવાની કામગીરીની શરૂઆત થઈ ગઈ છે.

ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નિયત નમુના મુજબ ઓનલાઈન માહિતી દર્શાવવાની હોય છે જેમાં અપુરતી માહિતી દર્શાવવામાં આવી રહી હોવાથી શ્રમિકોને આવનારાં દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા મળવાપાત્ર લાભથી વંચિત રહેવાની સંભાવના વધી જાય છે. ઈ-શ્રમ કાર્ડમાં કેન્દ્ર સરકાર દ્વારા કાર્ડધારકોને બે લાખ રૂપિયાનો વીમો આપવા ઉપરાંત શ્રમ અને રોજગાર વિભાગની યોજનાઓનો લાભ, શિષ્યવૃત્તિ, સાયકલ, તેમજ દર્શાવેલ વ્યવસાયને લગતાં ઉપકરણો સહિતના લાભો આપવામાં આવશે અને રેશનકાર્ડ લિંક કરવાથી સમગ્ર દેશમાં કોઈપણ સસ્તા અનાજની દુકાન પર થી રેશનીંગનો માલસામાન મેળવી શકશે.

કેન્દ્ર સરકારનાં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમીકો ને સરકારી યોજના,બેન્કેબલ યોજના હેઠળ ભલામણ કરી રોજગારી સાથે સુરક્ષા પુરી પાડવામાં આવશે પરંતુ કેશોદ પંથકમાં ઈ-શ્રમ કાર્ડમાં વારસદાર નાં નામ, શૈક્ષણિક લાયકાત, કૌશલ્ય અને અન્ય વિશેષતાઓ ઉમેરવામાં આવતી ન હોવા ઉપરાંત ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વ્યવસાય નાં ૩૮૫ જેટલાં વિકલ્પો પસંદ કરવાની માહિતી આપવામાં આવતી ન હોવાની ફરીયાદો શ્રમીકો માં ઉઠી છે.

ઈ-શ્રમ કાર્ડ કાઢવાની કામગીરીમાં પદાધિકારીઓ અને અધિકારીઓનાં પરિવારજનો જોડાયેલા હોવાથી શ્રમિકોને પુરી માહિતી કે જાણકારી આપવાને બદલે ઉદ્ધતાઈ કરવામાં આવી રહ્યાંની બુમો ઉઠી છે. ત્રીજી લહેર આવવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે ત્યારે લોકડાઉન જાહેર કરવામાં આવે એવી સ્થિતિમાં શ્રમીકોને સરકારી યોજના હેઠળ નાણાંકીય સહાય આપવામાં આવશે તો સામાન્ય માણસને લાભ થઈ શકે છે.

કેશોદ પંથકમાં ઈ-શ્રમ કાર્ડ અધુરી માહિતી સાથે કાઢી નાખવામાં આવે છે પરિણામ સ્વરૂપે કેન્દ્ર સરકારની યોજના હેઠળ રોજગાર મેળવવા ફરીથી ખર્ચા કરી અપડેટ્સ કરાવવા ધક્કા ખાવા પડશે અને કેન્દ્ર સરકારનાં શ્રમ અને રોજગાર વિભાગની યોજનાઓથી વંચિત રહેવાની સંભાવના વધી જાય છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.