અબતક કેશોદ,જય વિરાણી: કેશોદ ખાતે કોંગ્રેસ પક્ષની શહેર તાલુકાની વિસ્તૃત કારોબારી સમિતિ ની બેઠક યોજાઈ હતી. જેમાં પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. લાંબા સમયથી કેન્દ્ર અને રાજ્ય સરકારના સતા પર રહેલી ભાજપા સરકારે ચુંટણી સમયે આપેલાં વચનો પોકળ સાબિત થતાં દરેક ક્ષેત્રમાં મોંઘવારી વધી છે.
જેનાં કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના વેપારીઓ ,ખેડૂતો, રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે,જેનો શેરીએ શેરીએ ગલીએ ગલીએ વિરોધ પ્રદર્શન કરવાની રૂપરેખા ઘડવામાં આવી હતી. કેશોદ શહેર તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી સમિતી ની બેઠક માં શહેર કોંગ્રેસ પ્રમુખ સમીરભાઈ પાંચાણી અને તાલુકા પ્રમુખ અશ્ર્વિનભાઈ ખટારીયા, જીલ્લા પંચાયત સદસ્ય હમીરભાઇ ધૂળા સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શહેર તાલુકાનાં આગેવાનો હાજર રહ્યાં હતાં.
પુર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર એ ભાજપાનો શિષ્ટાચાર બની ગયો છે સમગ્ર રાજ્યમાં મોંઘવારી અને બેરોજગારી નાં કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં સરકાર દ્વારા મોંઘવારી દુર કરવા પગલાં ભરવામાં આવશે નહીં તો આંદોલન શરૂ કરવામાં આવશે અને લોકો સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની નિષ્ફળતા પહોંચાડવામાં આવશે. કેશોદ શહેર તાલુકાનાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો માં અનેરો જુસ્સો જોવાં મળ્યો હતો.