બાળકીને અંધશ્રદ્ધાનો ભોગ બનાવી ધગધગતા કોલસા પર ચલાવી: માતા અને બહેન છોડાવવા જતા તેમને પણ માર માર્યો
કેશોદમાં અંધશ્રદ્ધાની હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં પિતાએ પોતાની જ ફૂલ જેવી બાળકીને બલીએ ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. કોમળ બાળકીને માતાજીના માંડવે ધગધગતા કોલસા પર ચલાવી માર મારતા તેને છોડાવવા વચ્ચે પડેલી માતા અને બહેનને પણ પરિવારજનોએ માર માર્યો હતો. જેમાં ભોગ બનેલી બાળકીની માતાએ તેના પિતા સહિત સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ કેશોદના પાડોદર ગામના વતની અને હાલ જૂનાગઢ સરદાર નગરમાં રહેતા દમયંતીબેન પ્રફુલ ગજેરાએ કેશોદ પોલીસ મથકમાં તેના પતિ પ્રફુલ પરષોત્તમ ગજેરા, ઉજીબેન, જયેશ ગજેરા, રાહુલ ગજેરા, પોપટ ગજેરા, બાબુ નરશી ગજેરા અને ગોવિંદ ગજેરા સામે ફરિયાદ નોંધાવી છે. કેશોદ પોલીસ મથકના પીએસઆઈ કે.જે.પટેલ સહિતના સ્ટાફે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ ફરિયાદમાં જણાવ્યા મુજબ દમયંતીબેન ગજેરાએ પ્રફુલ સાથે બીજા લગ્ન કર્યા હતા. પતિ પ્રફુલ ગજેરા સહિતના પરિવારજનોએ મોટી ઘંસારી ગામે માતાજીના માંડવાનું આયોજન કર્યું હતું. જ્યાં દમયંતી બેનની 13 વર્ષની માસુમ બાળકી સાધનાને પ્રફુલ ધુણાવી રહ્યો હતો અને અન્ય પરિવારજનો બાળકી નાટક કરતી હોવાનુ કહી માર મારી ધગધગતા કોલસા પર ચલાવી રહ્યા હતા.
જે બાબતે ફરિયાદી દમયંતી બેન અને તેમની બીજી પુત્રી સાધનાને છોડાવવા જતા પ્રફુલ અને તેના અન્ય પરિવારજનોએ બંનેને માર માર્યો હતો. અંધશ્રદ્ધામાં ગળાડૂબ નિષ્ઠુર પિતા પોતાની જ બાળકીને બલીએ ચડાવે તે પહેલાં માતા તેની પુત્રીને લઈને ત્યાંથી જતી રહી હતી.
જેમાં બાળકીને જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરી દમયંતી બેને તેના પતિ પ્રફુલ સહિતના સાત સાસરિયા પક્ષના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને તુરંત કાર્યવાહી હાથધરી છે.